દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી દારૂ અંગેની કાર્યવાહીમાં છેલ્લા છ માસ દરમિયાન વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાઈ ગયો હતો.
ખંભાળિયા વિસ્તારમાંથી ઝડપાયેલા રૂા. 11,16,700 ની કિંમતની 2,744 બોટલ તેમજ ભાણવડમાં ઝડપાયેલી રૂા.6,57,200 ની કિંમતની 1,643 વિદેશી દારૂની બોટલ કોર્ટના આદેશ મુજબ નાશ કરવાના હેતુથી ગઈકાલે શુક્રવારે આ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ રૂા. 17,63,900 ની કિંમતની કુલ 4,387 વિદેશી દારૂની બોટલ પર અત્રે ધરમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીની પાછળ આવેલા સરકારી ખરાબામાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે.કે. કરમટા તેમજ નશાબંધી શાખાના ઇન્ચાર્જ અધિક્ષક એસ.સી. વાળાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.