ગુજરાતના લાખો વીજ ગ્રાહકો માટે રાહતના મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા તાજેતરમાં નવા વીજ દરો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાહકોને વીજળીના વપરાશ આધારે વિશેષ આર્થિક રાહત આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યભરના ગ્રાહકોને સીધો લાભ મળશે અને ખાસ કરીને સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોના માસિક વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
GERC દ્વારા જાહેર કરાયેલા નવા ટેરિફ ઓર્ડર અનુસાર હવે દિવસના ચોક્કસ સમયગાળામાં વીજળીનો ઉપયોગ કરનાર ગ્રાહકોને પ્રતિ યુનિટ રાહત આપવામાં આવશે. કમિશન દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વીજળીનો વપરાશ કરનાર ગ્રાહકોને પ્રતિ યુનિટ 60 પૈસાની છૂટ મળશે. એટલે કે આ સમય દરમિયાન જેટલો વધુ વીજ વપરાશ થશે, તેના આધારે ગ્રાહકોને સીધો આર્થિક લાભ મળશે.
આ નવી વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ દિવસ દરમિયાન ઊર્જાનો સંતુલિત ઉપયોગ વધારવાનો અને સોલાર પાવરના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દિવસના સમયે સોલાર એનર્જીનું ઉત્પાદન વધુ હોય છે, જેથી ગ્રાહકોને પણ તે સમયગાળામાં વીજળીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ સરકાર અને વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને સ્માર્ટ અને ડિજિટલ મીટર તરફ વાળવા માટે પણ આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. યોજના દ્વારા ગ્રાહકોને સ્માર્ટ મીટર અપનાવવા અને ડિજિટલ ટેકનોલોજી આધારિત વીજ વ્યવસ્થામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
આ યોજનાનો સૌથી મોટો લાભ એવા ગ્રાહકોને મળશે જેમના ઘરે અથવા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર ટેકનોલોજી દ્વારા ચોક્કસ સમય દરમિયાન થયેલા વીજ વપરાશની સચોટ નોંધ રાખી શકાય છે. જેના કારણે ગ્રાહકો સરળતાથી જાણી શકશે કે કયા સમયગાળામાં વીજળીનો ઉપયોગ કરવાથી તેમને વધુ બચત થઈ રહી છે. ખાસ કરીને એર કન્ડિશનર, વોશિંગ મશીન, પાણીના મોટર, ગીઝર અને અન્ય વધુ વીજળી વાપરતા ઉપકરણો બપોરના સમયગાળામાં ચલાવવાથી સીધી બચતનો લાભ મળી શકશે.
જામનગર સહિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારો તેમજ સમગ્ર ગુજરાતના વીજ ગ્રાહકો પર આ નિર્ણયની વ્યાપક અસર જોવા મળશે. આગામી સમયમાં વધુ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા પણ વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. ઊર્જા બચત અને ગ્રાહકોને આર્થિક રાહત બંને હેતુઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય રાજ્યના લાખો વીજ ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વિશેષજ્ઞોના મત અનુસાર, જો ગ્રાહકો યોગ્ય સમયગાળામાં વીજળીનો ઉપયોગ કરવાની ટેવ અપનાવે તો તેમના માસિક વીજ બિલમાં સારો એવો ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં વધતા વીજ વપરાશ વચ્ચે ગ્રાહકોને રાહત આપતો GERC નો આ નિર્ણય આગામી સમયમાં વીજ વ્યવસ્થાપન માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


