રાજ્યના છેવાડાના પરંતુ મહત્વના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા સ્થિત મહત્ત્વની એવી સરકારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી મહત્વની પોસ્ટ એવી સુપ્રિટેન્ડેન્ટની જગ્યા ખાલી રહી હતી. જેમાં સતત ઇન્ચાર્જ તબીબ દ્વારા જ વહીવટ ચલાવવામાં આવ્યો હતો.
ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ મુખ્ય અધિક્ષક તરીકે કચ્છ જિલ્લાના લખપત ખાતે તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. મનોજ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં વર્ષો પૂર્વે સુપ્રિટેન્ડેન્ટ તરીકે રહેલા ડો. એચ.પી. દેવમુરારીની ગોંડલ ખાતે બદલી થયા બાદ છેલ્લા આશરે પાંચ વર્ષથી આ જગ્યા ખાલી રહી હતી અને તેમાં અગાઉ ડો. કેતન જોશી બાદ ડો. હરીશ મટાણીએ ઇન્ચાર્જ તરીકે સેવાઓ આપી હતી. એટલું જ નહીં, કોરોના કાળમાં પણ ઇન્ચાર્જ અધિક્ષક ડો. હરીશ મટાણીની સેવાઓ કાબિલેદાદ બની રહી હતી.
જિલ્લાની મહત્વની એવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડોક્ટર મનોજ કપૂરની નિયુક્તિ થતાં તેઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે અને અહીંની હોસ્પિટલમાં બીજા દિવસથી જ ઓ.પી.ડી. તેમજ દવા અંગેની કામગીરી શરૂ કરી દીધી છે. વર્ષોથી ખાલી રહેલી સુપ્રિન્ટેન્ડેન્ટની ખાલીજગ્યા કોરોનાકાળના બે વર્ષમાં પણ ભરાઈ ન હતી. જેમાં હવે જવાબદાર અધિકારીની નિયુક્તિ થતા દર્દીઓને રાહત થશે.