Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરસરકારી કાર્યક્રમોમાં પત્રકારોની ઉપેક્ષાને લઇ જામનગર પત્રકાર મંડળ દ્વારા કલેકટરને રજુઆત

સરકારી કાર્યક્રમોમાં પત્રકારોની ઉપેક્ષાને લઇ જામનગર પત્રકાર મંડળ દ્વારા કલેકટરને રજુઆત

- Advertisement -

જામનગર શહેરમાં સરકારી કાર્યક્રમો દરમ્યાન પત્રકારો માટે વ્યવસ્થાનો અભાવ અને પત્રકારોની અવગણના તથા ઉપેક્ષા થતી હોય આ અંગે મંગળવારે સાંજે જામનગર પત્રકાર મંડળ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી આ અંગે રજુઆત કરવામાં આવી હતી. જેમાં સરકારી કાર્યક્રમો દરમ્યાન વારંવાર થતી પત્રકારોની ઉપેક્ષાને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા તથા પત્રકારોની વ્યવસ્થા ન જાળવવા પાછળ જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

- Advertisement -

 

- Advertisement -

જામનગરના કલેકટરને મુખ્યમંત્રી ને સંબોધેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, જામનગરમાં સરકારી કાર્યક્રમો દરમિયાન મોટાભાગે પત્રકારો માટેની વ્યવસ્થા સુપેરે કરવામાં આવતી નથી. અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને કવરેજ માટે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ માન-સન્માન પણ જળવાતું નથી.

થોડા સમય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જામનગરની ભાગોળે ગોરધનપર નજીક ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ખાત મુહુર્ત કાર્યક્રમ પ્રસંગે પણ મીડિયા કર્મીઓ માટે યોગ્ય વ્યવસ્થા નો ચોક્કસ અભાવ જોવા મળ્યો હતો. અને જવાબદારી સોંપાયેલ એજન્સી દ્વારા પણ કોઈ સહયોગ આપવામાં આવ્યો ન હતો.

- Advertisement -

આ ઉપરાંત તાજેતરમાં જ રવિવારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા વિરાંજલી કાર્યક્રમ દરમિયાન પણ પત્રકારોના બેઠક વ્યવસ્થા તેમજ કવરેજ માટેની વ્યવસ્થા ને લઈને અંતિમ ક્ષણ સુધી કોઈ જ તસ્દી લેવામાં આવી ન હતી. જ્યાં પણ પત્રકારોના માન સન્માનને ઠેસ પહોંચે તે પ્રકારની ઘટના ફરી એકવાર બની છે. સરકારી કાર્યક્રમ હોવા છતાં પણ સ્ટેજ ઉપરથી પત્રકારોને અપમાનિત થાય તે પ્રકારે ઉદબોધન પણ કરવામાં આવ્યું હતું.

અનેક સરકારી કાર્યક્રમોમાં આવીરીતે પત્રકારોની અવગણના અને ઉપેક્ષા થતી હોય. ત્યારે સરકારી કાર્યક્રમો દરમિયાન માહિતી ખાતા ને પણ આ અંગે યોગ્ય સૂચનાઓ આપવી જોઈએ. આમંત્રણ તેમજ પ્રેસ માહિતી મેળવવા માટે માહિતી ખાતા સુધી પત્રકારોને મેસેજ મારફતે બોલાવવામાં આવે છે જે પણ યોગ્ય ન કહેવાય.અને અગાઉ પત્રકારોને મીડિયા હાઉસ સુધી માહિતી અને કાર્યક્રમોના આમંત્રણ, પાસ પહોંચાડવામાં આવતા હતા. જે વ્યવસ્થા લાંબા સમયથી એકા એક બંધ કરી દેવામાં આવી છે. ત્યારે પત્રકારોની સરકારી કાર્યક્રમ દરમિયાન થતી વારંવારની ઉપેક્ષાને ધ્યાને લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અગાઉના કાર્યક્રમોમાં પત્રકારો ની વ્યવસ્થા ન જાળવવા પાછળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવી આક્રોશ સાથે રજુઆત કરવામાં આવી છે.

આ આવેદન પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પુનમબેન માડમ, કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, જામનગરના ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ આપવામાં આવી છે.

જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી, મંત્રી કિંજલભાઈ કારસરીયા, ઉપપ્રમુખ ધર્મેશભાઈ રાવલ, ખજાનચી સુચિતભાઈ બારડ, સહમંત્રી પરેશભાઈ ફલિયા, તેમજ પત્રકાર મંડળના સભ્યો તથા પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થા સાથે સંકળયેલા પત્રકારો તથા ફોટોગ્રાફરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular