ખંભાળિયાના જીએસટી કચેરીના કર્મચારી કે જે હાલ નિવૃત છે, તેમના ફરજકાળ દરમિયાન તેમણે અનેક આસામીઓ પાસેથી સ્વીકારેલી રૂ. 1,000ની લાંચ અંગેના પુરાવાની ચકાસણી બાદ ગઈકાલે બુધવારે એ.સી.બી. વિભાગ દ્વારા વર્ગ- 3ના કર્મચારી એવા મારખીભાઈ રામભાઈ રાવલિયા સામે લાંચ લેવા સબબનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની ખંભાળિયામાં રહેતા અને ઈલેક્ટ્રીક ફીટીંગ તથા રીપેરીંગનું કામ કરતા એક આસામી દ્વારા પોતાના ધંધામાં જરૂરિયાત હોવાથી જીએસટી નંબર મેળવવા માટે અહીંની જીએસટી કચેરીમાં અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને સ્થળ વિઝીટ કરી, એપ્રુવલ આપવા માટે ખંભાળિયાના રાજ્ય વેરા નિરીક્ષક (એસ.ટી.આઈ.) તરીકે અહીંની જીએસટી કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીઓ એવા મારખીભાઈ રામભાઈ રાવલિયા દ્વારા તેમની પાસે રૂપિયા બે હજારની લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે રૂપિયા 1,500 આપવાનું નક્કી કરાયું હતું. ત્યાર બાદ બીજા દિવસે ઉપરોક્ત કર્મચારીએ પોતાની જીએસટી ઓફિસમાં રૂપિયા એક હજારની લાંચ લીધી હોવા અંગેનો વિડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું.
આશરે દોઢ વર્ષ પહેલાના સ્ટિંગ ઓપરેશન પ્રકારના આ પ્રકરણની તપાસ બાદ એસીબી દ્વારા વર્ગ- 3 ના કર્મચારી અને હાલ નિવૃત્ત એવા મારખીભાઈ રામભાઈ રાવલિયા સામે ભ્રષ્ટાચાર અધિનિયમ એક્ટ મુજબ અહીંની એસીબી કચેરીમાં લાંચની રકમની માગણી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણની આગળની તપાસ એ.સી.બી. રાજકોટ ગ્રામ્ય વિભાગના પી.આઈ. આર.આર. સોલંકી ચલાવી રહ્યા છે.
ખંભાળિયાના પૂર્વ વેચાણવેરા કર્મચારી સામે રૂ.1000ની લાંચ લેવા સબબ ગુનો નોંધાયો
વાયરલ થયેલા વિડિયોની ચકાસણી થયા બાદ નોંધાઈ ફરિયાદ