
જામનગર શહેરમાં અવધનગરી વિસ્તારમાં રહેતાં યુવક સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતી યુવતીના પરીવારજનોને આ સંબંધ પસંદ ન હોવાથી યુવતીના પિતા અને ફુઆ સહિતના ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કરી લાકડી વડે માર માર્યા બાદ મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ત્યારબાદ યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતા અને ફુઆ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડીમાં માધવ-3 અવધનગરીમાં રહેતી ક્રિષ્નાબેન વિક્રમભાઇ કેશવાલા (ઉ.વ.19) નામની યુવતીને આશિષ રાણાભાઇ અસ્વાર નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો અને બન્ને છેલ્લા એક વર્ષથી લીવ ઇન રિલેશનશીપમાં સાથે રહેતા હતાં. યુવતી લીવ ઇન રિલેશનશીપમાં આશિષ સાથે રહેતી હોવાનું તેણીના માતા-પિતાને પસંદ ન હતું. આ બાબતનું મનદુ:ખ રાખીને ગત્ તા. 7ના રોજ સવારના સમયે યુવતીના પિતા વિક્રમ કેશુભાઇ કેશવાલા, ફુઆ રામદે લાખાભાઇ બોખીરિયા, ફૈબા નીરૂબેન રામદેભાઇ બોખીરીયા અને ફૈબાનો દીકરો વિવેક કારાભાઇ બોખીરીયા નામના ચારેય શખ્સોએ એકસંપ કરી આશિષ રાણા અસ્વાર નામના યુવકનું અપહરણ કરી ગયા હતા અને ત્યારબાદ લાકડી વડે માર મારી કણસુમરા નજીક આવેલી સાંઢિયા પુલ પાસે ફેંકી દીધો હતો. ત્યારબાદ આશિષને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાર દિવસની સારવારના અંતે યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
યુવકની હત્યાના બનાવમાં પોલીસે ક્રિષ્નાબેન કેશવાલાની ફરિયાદના આધારે ચાર શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. હત્યાના બનાવમાં પીઆઇ આઇ. એ. ધાસુરા, પીએસઆ વી. બી. બરસબીયા, એએસઆઇ યશપાલસિંહ જાડેજા, રાજનભાઇ કનોજિયા, સુખદેવસિંહ જાડેજા, હે.કો. શિવભદ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, ખિમશીભાઇ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જુદી જુદી ટીમ બનાવી ટેકનીકલ સોર્સના આધારે હત્યારાઓનું લોકેશન મેળવી વોચમાં હતા ત્યારે એએસઆઇ યશપાલસિંહ અને હે.કો. શિવભદ્રસિંહને મળેલી બાતમીના આધારે સાંઢિયા પુલ પાસે વોચ ગોઠવી હતી. જેમાં બે બાઇક પર પસાર થનાર યુવતીના પિતા વિક્રમ કેશુ કેશવાલા, રામદે લાખા બોખીરીયા, વિવેક કારા બોખીરીયા (રહે. બધાં અન્ડરબ્રીજ પાસે, રાધેશ્યામ એપાર્ટમેન્ટ, જામનગર) નામના ત્રણેય શખ્સોની ધરપકડ કરી બે બાઇક કબ્જે કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે હત્યાના બનાવમાં યુવતીના ફૈબા નિરૂબેન રામદે બોખીરીયાની અગાઉ જ ધરપકડ કરી હતી.