કાલાવડ ગામમાં રહેતાં યુવાને ત્રણ વર્ષ પહેલાં 8 ટકાના વ્યાજે બે વ્યાજખોર પાસેથી લીધેલી રકમની 6 ગણી રકમ પરત ચૂકવી દીધી છતાં બન્ને વ્યાજખોરો દ્વારા વધુ રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં અમીપીર પાર્ક વિસ્તારમાં રહેતા કાસીમભાઇ હબીબભાઇ સમા (ઉ.વ.37) નામના યુવાને પૈસાની જરૂર હોવાથી જામનગરના યાસીન અબ્દુલ સમા પાસેથી આશરે ત્રણ વર્ષ પહેલાં માસિક 8 ટકાના વ્યાજે રૂપિયા 3 લાખ લીધા હતા. જેનું દર મહિને 22 હજાર જેટલું વ્યાજ ચૂકવતો હતો. તેમજ યુનુસ અબ્દુલ સમા નામના અન્ય વ્યાજખોર પાસેથી પણ 3 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા હતા. અને કાસીમે બન્ને વ્યાજખોરોને લીધેલી રકમ કરતાં 6 ગણી રકમ પરત ચૂકવી દીધી હતી. તેમ છતાં બન્ને વ્યાજખોરોએ કાસીમને જેમ ફાવે તેમ ગાળો કાઢી, 3 લાખનો ચેક તથા 7 કોરા સહી કરેલા ચેક પડાવી લીધાં હતાં. ઉપરાંત વધુ રકમની ઉઘરાણી માટે ગાળો કાઢી, ‘રૂપિયા આપીજા નહીંતર તારા ઘરે આવીને ટાંટિયા ભાંગી નાખીશું.’ તેમ હેરાન પરેશાન કરી બળજબરીપૂર્વક ઉઘરાણી કરતાં હતાં. અને યુનુસે કાસીમને ફડાકો પણ ઝીંકી દીધો હતો.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા કાસીમે આખરે બન્ને વ્યાજખોરો વિરૂઘ્ધ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેઆ આધારે પીઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફે યાસીન અબ્દુલ સમા અને યુનુસ અબ્દુલ સમા નામના જામનગરના બે વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.