જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં ગઈકાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસની સાથે રાખી દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોકમાં વચ્ચે આવેલ ઓટલો તેમજ એક રેસ્ટોરન્ટ સંચાલક દ્વારા કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટરાફિકને અડચણરૂપ બાર જેટલી રેંકડીઓ કબ્જે કરવામાં આવી હતી. અહીં હંગામી પોલીસ ચોકી ઉભી કરવામાં પણ આવનાર છે. જેને લઇ તંત્ર દ્વારા ગેરકાયેદસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના બર્ધન ચોક, દરબારગઢ સહિતના વિસ્તારોમાં રેંકડી-પથ્થારાવાળાઓની સમસ્યા અને દબાણ વર્ષોથી સતાવી રહ્યું છે. નો-હોકીંગઝોનની અમલવારી કરવા અંગે બર્ધનચોકના વેપારીઓ દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરી છે. તંત્ર દ્વારા નેક વખત અહીંથી રેંકડી-પથ્થારાવાળાઓ જપ્ત કરવામાં આવે છે. આમ છતાં ફરી ગણતરીની કલાકો કે ગણતરીના દિવસોમાં પરિસ્થિતિ જેમની તેમ થાય છે ત્યાં ફરીથી રેંકડી-પથ્થારાવાળાઓનું દબાણ ખડકાઈ જાય છે જેના પરિણામે અહીં અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે વાહનચાલકોને અહીંથી પસાર થવું પણ ભારે મુશ્કેલ બની જાય છે. વર્ષો જૂની આ સમસ્યાને લઇ તંત્ર ફરી એક વખત હરકતમાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશર ડી.એન. મોદી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા શાકમાર્કેટ, દરબારગઢ, બર્ધનચોક સહિતના વિસ્તારોમાં બે દિવસ પૂર્વે નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ આ વિસ્તારોમાં દબાણ હટાવવા કડક કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં રેંકડી-પથ્થારાવાળાના દબાણની કાયમી સમસ્યા રહે છે. આ મુદે બર્ધનચોકના વેપારીઓ દ્વારા મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે અને અહીં નોહોકીંગ ઝોનની અમલવારી કરવા અનેકવખત માંગણી કરવામાં આવી છે. ત્યારે તંત્ર આ વખતે ફરી એકવાર હરકતમાં આવ્યું છે અને બે દિવસથી દરબારગઢ તથા બર્ધનચોક વિસ્તારમાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે બપોરે બર્ધનચોક વિસ્તારમાં પીલરવાળુ બોર્ડ અને ઓટલો બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગઈકાલે દિવસ દરમિયાન ટ્રાફિકને નડતરરૂપ બાર જેટલી રેંકડીઓ એસ્ટેટ શાખા દ્વારા જપ્ત કરવામાં આવી હતી. તેમજ રબારગઢ સર્કલમાં રેસ્ટોરન્સ સંચાલક દ્વારા કરવામાં આવેલું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું તેમજ કચરાના નિકાલ સંબંધે ફુડ શાખા દ્વારા 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
આ વિસ્તારમાં રેંકડી-પથ્થારાવાાઓના દબાણ અને ટ્રાફિકની સમસ્યાને લઇ બર્ધન ચોકમાં હંગામી પોલીસ ચોકી પણ બનાવવામાં આવશે. જે માટે પણ જગ્યા કરવા કવાયત હાથ ધરવામાં આવી છે અને દબાણો દૂર કરાઇ રહ્યા છે. ગઈકાલે આ દબાણ હટાવ કામગીરી દરમિયાન ક દુકાનદાર દ્વારા હોબાળો મચાવી જામનગર મહાનગરપાલિકાના સ્ટાફ સાથે બોલાચાલી કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા મામલો થાળે પાડી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રખાવી હતી.
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબારગઢ સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઇને પણ દરબારગઢ સર્કલ ખાતે પણ સફાઈ હાથ ધરવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇ પોલીસ તથા જામ્યુકો દવારા દબાણ હટાવી ઉજવણી માટે સ્વચ્છતા સહિતની કામગીરી કરાઇ રહી છે. દબાણો દૂર થતા અને સ્વચ્છતા કરવામાં આવતા દરબારગઢ સર્કલ તથા બર્ધનચોક જેવા વિસ્તારો ચોખાચણક અને જોવાલાયક બન્યા છે. તંત્ર દ્વારા દરબારગઢથી સુભાષમાર્કેટ અને દરબારગઢથી બર્ધનચોક સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવા સંકતો મળી રહ્યા છે. જેને લઇ નગરજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે.