Monday, October 14, 2024
Homeરાજ્યજામનગરકોવિડ હોસ્પિટલ પાસે પોલીસકર્મી ઉપર પથ્થરમારો

કોવિડ હોસ્પિટલ પાસે પોલીસકર્મી ઉપર પથ્થરમારો

મહિલા સફાઈકર્મી ઉપર સિકયોરિટી ગાર્ડ દ્વારા માર માર્યાનો આક્ષેપ : ટીફીન દેવાની બાબતે થયેલી બોલાચાલીમાં મામલો થાળે પાડવા જતાં પોલીસકર્મીઓ ઉપર હુમલો : ઓકિસજન ટેંક ઉપર પથ્થરમારો : એેએસપી અને એલસીબી ઘટનાસ્થળે દોડી ગઈ : 20 જેટલા શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

જામનગરની કોવિડ હોસ્પિટલના પટાંગણમાં બુધવારે બપોરના સમયે ટીફીન દેવાની બાબતે અંદરોઅંદર બોલાચાલી કરી ઝઘડો કરતા લોકોને સમજાવવા ગયેલા પોલીસ કર્મચારીઓ ઉપર આ ટોળાએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ દર્દીઓને અને તેમના સગા-વ્હાલાઓ ઉપર છૂટા બ્લોકના ઘા કર્યા હતાં તેમજ ઓકિસજન ટેંકમાં પથ્થરના ઘા કરી સરકારી મિલકતને નુકસાની પહોંચાડયાના મામલે પોલીસે દોઢ ડઝન જેટલા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરની ગુરૂ ગોબિંદસિંગ કોવિડ હોસ્પિટલ 19 બિલ્ડિંગ સામેના પટાંગણમાં બુધવારે બપોરના સમયે ટિફિન દેવાની બાબતે સાગર દિનેશ સોલંકી, આનંદ મગન રાઠોડ, મુકેશ દિનેશ સોલંકી, આકાશ સોમા સોલંકી, બિપીન રામજી સોલંકી અને 15 અજાણ્યા શખ્સો વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો અને હોસ્પિટલના પટાંગણમાં જાહેરમાં થતો ઝઘડો અટકાવવા માટે પહોંચેલા પોલીસ કર્મીઓ ઉપર આ ટોળાએ ફરજમાં રૂકાવટ કરી નિર્લજજ હુમલો કર્યો હતો. પોલીસ કર્મી ઉપર હુમલો કર્યા બાદ આ ટોળાએ દર્દીઓ અને તેમના સગા-વ્હાલાઓ ઉપર છૂટા બ્લોકના ઘા કર્યા હતાં અને ઓકિસજનના ટેંક ઉપર પથ્થરમારો કર્યો હતો. હોસ્પિટલના પટાંગણમાં સર્જાયેલી માથાકૂટને કારણે અફડાતફડી જેવો માહોલ થઈ ગયો હતો. ટોળા દ્વારા આચરેલા હુમલાને અને આડેધડ કરાયેલા વાહનપાર્કિંગના કારણે એમ્બ્યુલન્સ અને શબવાહિનીની અવર-જવર ઉપર પણ અસર થઈ હતી. જો કે, ટોળાએ કરેલા હુમલાના કારણે સરકારી મિલકતોમાં નુકસાન પહોંચ્યું હતું.

હોસ્પિટલમાં માથાકૂટ થયાની જાણ થતા પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને કાબુમાં લેવા પ્રયાસ કર્યા હતાં. આ હુમલામાં ઘવાયેલા પોલીસકર્મી સહિતાનાઓને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યાં હતાં. આ પૂર્વે બપોરે મહિલા સફાઈ કર્મચારી અને સિકયુરિટી ગાર્ડ વચ્ચે થયેલી બોલાચાલી અને માથાકૂટમાં સફાઈકર્મી મહિલાએ સિકયુરિટીને માર માર્યો હતો. હોસ્પિટલના પટાંગણમાં બનેલી ગંભીર ઘટનાની જાણ થતા એએસપી નિતેશ પાંડેય તથા એલસીબી સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ આ મામલે મહિલા લોકરક્ષકના કર્મચારી દ્વારા 20 જેટલા શખ્સો વિરૂધ્ધ સરકારી મિલકતોમાં નુકસાની પહોંચાડી પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યા સહિતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular