જોડિયા તાલુકાના માવના ગામની સીમમાં આધેડ પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જામનગરમાં નાગનાથનાકા નજીક આધેડ બીમારી સબબ મૃત્યુ પામતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવના ગામની સીમમાં 24 થી 27 જુલાઈ દરમિયાન કુંવરસિંહ જંગલિયાભાઈ રાઠવા (ઉ.વ.48) કોઇપણ રીતે અકસ્માતે પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા હતાં આ અંગે મૃતકના પત્ની રેખાબેન દ્વારા પોલીસને જાણ કરાતા જોડિયાના હેકો જે.કે.મકવાણા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં નાગનાથ નાકા સ્મશાન ચોકડી પાસે આવેલ જે.કે.સ્ટિલ નામની દુકાનની બહાર રોડ પર અંદાજિત 55 વર્ષનો અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સના સ્ટાફે તપાસી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે સદામહુશેન અબ્દુલ કાદર દલની ફરિયાદના આધારે પોલીસ દ્વારા મૃત્યુ પામેલ અજાણ્યા પુરૂષના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.