જામનગરના રણજિતસાગર રોડ ઉપર આવેલી રેસ્ટોરન્ટમાં છૂટાછેડા માટે પતિને સમજાવવા ગયેલી પત્ની અને સાળા સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. સામાપક્ષે પતિને પણ પત્ની અને સાળાએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ ઉપર વસંત વાટિકાની શેરી નંબર બેમાં રહેતી પ્રીતિબેન વસંતભાઇ દાણીધારિયા (ઉ.વ.20) નામની યુવતી ગત્ તા. 10ના રોજ બપોરના સમયે તેના ભાઇ અમિત દાણીધારિયા સાથે રણજિતસાગર રોડ પર આવેલી પીત્ઝા કિંગ રેસ્ટોરન્ટમાં છૂટાછેડા માટે રાકેશ છગનભાઇ કણઝારિયાને સમજાવવા ગયા હતા. ત્યારે રાકેશએ પત્ની અને સાળા સાથે ગાળાગાળી કરી, બોલાચાલી બાદ ઢીકાપાટુનો માર મારી, સાળાને ફડાકા ઝિંકયા હતા અને બન્નેને મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે રાકેશ છગન કણઝારિયા નામના રેસ્ટોરન્ટ ચલાવતા યુવાનને તેની પત્ની પ્રીતિબેન અને સાળો અમિત નામના બન્નેએ રેસ્ટોરન્ટમાં આવી ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપી હતી.
સામાસામી મારામારી અને ધમકીના બનાવ અંગેની જાણ થતાં એએસઆઇ વાય. જે. ગોહિલ તથા સ્ટાફએ પ્રીતિબેનના નિવેદનના આધારે તેણીના પતિ રાકેશ કણઝારિયા વિરૂઘ્ધ અને રાકેશના નિવેદનના આધારે તેની પત્ની પ્રીતિ અને સાાળા અમિત વિરૂઘ્ધ માર મારી, ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.