જામનગર તાલુકાના સપડા ગામમાં રહેતું દંપતી તેના બાઈક પર મિયાત્રાથી સપડા ગામ તરફ જતાં હતાં ત્યારે બેરાજા ગામના પાટીયા પાસે હોટલે ચા-પાણી પીવા હોટલે બાઈક ઉભુ રાખ્યું હતું. તે દરમિયાન પુરપાટ આવતી કારે બાઈક અને દંપતીને ઠોકરે ચડાવ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સપડા ગામમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતાં પબાભાઈ વિજાણી (ઉ.વ.45) નામના યુવાન ગત તા. 18 ના રોજ સાંજના સમયે તેની પત્ની રાણીબેન સાથે તેના જીજે-10-સીઆર-7306 નંબરના બાઈક પર મિયાત્રા ગામથી સપડા ગામ તરફ જતા હતાં તે દરમિયાન બેરાજા ગામના પાટીયા પાસે આવેલી હોટલે ચા-પાણી પીવા ઉભા હતાં તે દરમિયાન કાલાવડ થી જામનગર તરફના માર્ગ પર રોંગસાઈડમાં પૂરપાટ આવી રહેલી જીજે-10-ડીએન-1985 નંબરની ઈકોકારના ચાલકે બાઈક અને દંપતીને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પબાભાઈ અને તેની પત્ની રાણીબેનને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈકોચાલક પલાયન થઈ ગયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એચ.જે. જાડેજા તથા સ્ટાફે પબાભાઈના નિવેદનના આધારે નાશી ગયેલા ઈકો કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની શોધખોળ આરંભી હતી.