Thursday, October 15, 2026
Homeરાજ્યહાલારસણોસરી નજીક રેલવે ટ્રેક પર લોખંડનો ટૂકડો મૂકી ટ્રેનને નુકસાનનો પ્રયાસ

સણોસરી નજીક રેલવે ટ્રેક પર લોખંડનો ટૂકડો મૂકી ટ્રેનને નુકસાનનો પ્રયાસ

પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ : કાનાલુસ-પોરબંદર ટ્રેનના એન્જીન સાથે લોખંડનો ટૂકડો અથડાતાં નુકસાની

લાલપુર તાલુકાના સણોસરી ગામ નજીક રેલવે ટ્રેક ઉપર લોખંડનો ટૂકડો મૂકી ટ્રેનને નુકસાન પહોંચાડવાનો અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. આ અંગે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- Advertisement -

આ અંગેની મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામ નજીક આવેલ લાલપુર રેલવે સ્ટેશનથી ગોપજામ રેલવે સ્ટેશન જવાના રેલવે ટ્રેક ઉપર 883/08 થી 883/09 વચ્ચેના રેલવે ટ્રેક ઉપર અંદાજિત ત્રણ ફુટ જેવો લોખંડનો કટકો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ઘટના આ ટ્રેક પરથી પસાર થતી ટ્રેન નંબર 59205 કાનાલુસ-પોરબંદર ટ્રેન પસાર થતી હોવાના સમયે સામે આવી હતી. ટ્રેક પર આ રીતે લોખંડનો ટૂકડો મૂકવાની ઘટનાના પગલે પસાર થતી ટ્રેનના એન્જીનને નુકસાની પહોંચી હતી.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ટૂકડી ઘટના સ્થળે દોડી ગઇ હતી. રેલવે ટ્રેક પર આ પ્રકારની વસ્તુ મૂકવાની ઘટના અત્યંત ગંભીર અને મુસાફરોની સુરક્ષા ઉપર જોખમ સર્જી શકે છે. જેને લઇ લાલપુર રેલવે કોલોનીમાં રહેતાં રેલ કર્મચારી રાજેશભાઇ રામખિલાડીભાઇ મીનાની ફરિયાદના આધારે લાલપુર પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી લાલપુરના ઇન્ચાર્જ પીઆઇ એ. જી. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ લોખંડનો ટૂકડો મૂકવાની ઘટનાને પગલે ટ્રેનને નુકસાન પહોંચાડવા અને મુસાફરોના જીવને જોખમમાં મૂકવાના ઇરાદે લોખંડનો ટૂકડો ટ્રેક પર મૂકાયાની શંકાને આધારે તપાસ ચલાવાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular