ધ્રોલથી જોડિયા તરફ જતા હાઇવે પર આવેલા માવાપર ગામના પાટિયા પાસેથી માતાના મઢ દર્શન કરવા જતી બોલેરો કારને સામેથી પુરપાટ આવી રહેલા ટ્રકએ ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અકસ્માતની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રામજી મંદિરની બાજુમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ.36) નામના યુવાન તેની પત્ની તથા સંતા અને મિત્ર અને પત્ની સાથે મિત્રની જીજે10 ઇસી 9488 નંબરની બોલેરો કારમાં ગત્ તા. 04 ઓકટોબરના રોજ રાત્રિના સમયે માતાના મઢે દર્શન કરવા જતા હતા. ત્યારે ધ્રોલ-જોડિયા ધોરીમાર્ગ પર માવાપર ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા આરજે27 જીઇ 0500 નંબરના ટ્રકના ચાલકે સામેથી આવતી કારની જમણી સાઇડમાં ભટકાડતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં બેસેલા તેજલબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.34) નામના મહિલાને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેજલબાનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની ધર્મેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


