હાલ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ભક્તિમય ઉજવણી ચાલી રહી છે ત્યારે જામનગરમાં એક અનોખી ગણેશ ગેલેરી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ પંડાલોમાં ગણેશજીના અલગ-અલગ સ્વરૂપોના દર્શન થતા હોય છે, પરંતુ જામનગરના ગણેશભક્ત દિલીપભાઈ ધ્રુવના ઘરે તૈયાર થયેલી આ ગણેશ ગેલેરીમાં વર્ષભર ગણેશજીના અનેક સ્વરૂપો, આકારો અને કદની મૂર્તિઓના દર્શન કરી શકાય છે. છેલ્લા 40 વર્ષથી દિલીપભાઈ ધ્રુવ દ્વારા ગણેશજીની મૂર્તિઓ અને તસવીરોનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે અને આજે તેમના સંગ્રહમાં 3 હજારથી પણ વધુ ગણેશજી સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.
દિલીપભાઈ ધ્રુવને વર્ષો પહેલા ગણેશજીના અલગ-અલગ આકાર અને સ્વરૂપો જોઈને તેમના વિશે જાણવાની ઉત્સુકતા જાગી હતી. ગણેશજીના વિવિધ સ્વરૂપો વિશે તેમણે જાણવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે આ ઉત્સુકતા ગણેશભક્તિમાં પરિવર્તિત થઈ હતી. ત્યારબાદ તેમણે ગણેશજીની વિવિધ પ્રકારની મૂર્તિઓ અને તસવીરો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.
છેલ્લા ચાર દાયકાથી ગણેશજીને લગતી કોઈ પણ અનોખી વસ્તુ તેમના ધ્યાનમાં આવે એટલે તેને પોતાના કલેક્શનમાં સામેલ કરવાની શરૂઆત કરી હતી. પરિણામે આજે તેમની પાસે ગણેશજીની 3 હજારથી વધુ મૂર્તિઓ, તસવીરો, પેઇન્ટિંગ્સ અને વિવિધ વસ્તુઓનો વિશાળ સંગ્રહ તૈયાર થયો છે. આ કલેક્શનમાં 800થી વધુ ગણેશજીની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
View this post on Instagram
દિલીપભાઈના ગણેશ કલેક્શનમાં અલગ-અલગ કદ અને આકારની મૂર્તિઓ જોવા મળે છે. માત્ર એક ઇંચ જેટલી નાની મૂર્તિથી લઈને અઢી ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિઓ અહીં સંગ્રહિત કરવામાં આવી છે.
માટી, થર્મોકોલ, કાગળ, લાકડું, પ્લાસ્ટિક, કાચ, બ્રાસ સહિત વિવિધ સામગ્રી અને ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓ પણ તેમના સંગ્રહમાં છે. આ ઉપરાંત ગણેશજીના પેઇન્ટિંગ, ફોટો, ફોટોફ્રેમ અને અન્ય વિવિધ સ્વરૂપોને પણ ગેલેરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
દિલીપભાઈએ ગણેશજીના કલેક્શનને માત્ર મૂર્તિઓ પૂરતું મર્યાદિત રાખ્યું નથી. ગણેશજીની છબી ધરાવતી વિવિધ ઉપયોગી વસ્તુઓનો પણ તેમણે સંગ્રહ કર્યો છે. કી-સ્ટેન્ડ, કિચન સાથે જોડાયેલી વસ્તુઓ, બોલપેન, ઘડિયાળ, ફોટોફ્રેમ સહિતની અનેક વસ્તુઓમાં ગણેશજીના વિવિધ સ્વરૂપો જોવા મળે છે.
ઘરની દિવાલોથી લઈને રૂમના દરવાજા સુધી ગણેશજીના વિવિધ સ્વરૂપોને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર સંગ્રહને વ્યવસ્થિત રીતે સાચવીને દિલીપભાઈએ પોતાના ઘરને જાણે ગણેશ ગેલેરીમાં પરિવર્તિત કરી દીધું છે.
સામાન્ય રીતે ગણેશ મહોત્સવ દરમિયાન એક પંડાલમાં ગણેશજીના એક વિશિષ્ટ સ્વરૂપના દર્શન થતા હોય છે. જ્યારે દિલીપભાઈની આ ગણેશ ગેલેરીમાં ગણેશજીના અનેક સ્વરૂપો એકસાથે જોવા મળે છે.
અહીં અલગ-અલગ કદ, આકાર, રંગ અને પહેરવેશ ધરાવતા ગણેશજીની મૂર્તિઓ જોવા મળે છે. વિવિધ પ્રકારની કલાત્મક મૂર્તિઓ અને તસવીરોના કારણે સમગ્ર ગેલેરીમાં ગણેશભક્તિનો અનોખો માહોલ જોવા મળે છે.
ગણેશ મહોત્સવ દરમિયાન આ અનોખી ગણેશ ગેલેરીને જોવા માટે લોકો પણ ખાસ રસ દાખવી રહ્યા છે. ગણેશજીના વિવિધ સ્વરૂપોનું આટલું વિશાળ કલેક્શન એક જ જગ્યાએ જોઈને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને દિલીપભાઈના 40 વર્ષના સંગ્રહની પ્રશંસા કરે છે.
ખાસ કરીને ગણેશભક્તો માટે આ ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બની છે. ચાર દાયકાથી ગણેશજીની મૂર્તિઓ અને તસવીરો એકત્ર કરવાની દિલીપભાઈની ભક્તિ આજે એક અનોખા સંગ્રહનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા, જ્ઞાન મેળવવાની ઉત્સુકતા અને વર્ષોની મહેનતના પરિણામે તૈયાર થયેલી આ ગણેશ ગેલેરી જામનગરમાં ગણેશભક્તિનું અનોખું ઉદાહરણ બની છે.


