Monday, September 14, 2026
Homeરાજ્યજામનગરગણેશોત્સવમાં લાડુની લડાઈ! 18મી મોદક સ્પર્ધામાં 15 લાડુ સાથે પદ્મિની ગજેરા વિજેતા-...

ગણેશોત્સવમાં લાડુની લડાઈ! 18મી મોદક સ્પર્ધામાં 15 લાડુ સાથે પદ્મિની ગજેરા વિજેતા- VIDEO

જામનગરમાં સતત 18મા વર્ષે અનોખી લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન : યુવાનોમાં જગદીશ દવે, સિનિયર સિટીઝનમાં ગંભીરસિંહ વાળા અને બાળકોમાં વ્યોમ વ્યાસે મેળવ્યો વિજય

ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉજવણીમાં ભક્તિની સાથે આનંદ અને મોજમસ્તીનો રંગ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્વારા ગણેશોત્સવની અનોખી પરંપરા જાળવી રાખીને સતત 18મા વર્ષે મોદક એટલે કે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સવાલ માત્ર એટલો હતો કે નિર્ધારિત સમયમાં કોણ સૌથી વધુ લાડુ ખાઈને વિજેતા બને છે.

- Advertisement -

બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં ભાઈઓ, બહેનો, સિનિયર સિટીઝન તેમજ બાળકો એમ ચાર અલગ અલગ કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા શરૂ થતાં જ સ્પર્ધકોની સામે લાડુની થાળીઓ ગોઠવવામાં આવી હતી અને દરેક સ્પર્ધક વધુમાં વધુ લાડુ ખાઈ વિજય મેળવવા માટે ઉત્સાહપૂર્વક પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.

- Advertisement -

સ્પર્ધકો લાડુ ખાવામાં વ્યસ્ત હતા ત્યારે સ્થળ પર ઉપસ્થિત લોકો પોતાના મનપસંદ સ્પર્ધકોને પ્રોત્સાહન આપી રહ્યા હતા. જેના કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો. ગણેશોત્સવની ભક્તિ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધાએ ઉપસ્થિતોમાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

- Advertisement -

બ્રહ્મસમાજ યુવા ગ્રુપ જામનગરના મહામંત્રી મનીષ રાવલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ભાઈઓ એટલે કે યુવા કેટેગરીમાં જગદીશ દવેએ 9 લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

મહિલા કેટેગરીમાં પદ્મિની ગજેરા અને પ્રમિલાબેને 15-15 લાડુ ખાઈ સરસાઈ મેળવી હતી. બંનેના સમાન લાડુ હોવાથી ચિઠ્ઠી દ્વારા વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં પદ્મિની ગજેરા વિજેતા જાહેર થયા હતા.

સિનિયર સિટીઝન કેટેગરીમાં ગંભીરાસિંહ વાળાએ પોતાની ક્ષમતા દર્શાવી 12 લાડુ ખાઈને વિજય મેળવ્યો હતો. જ્યારે બાળકોની કેટેગરીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોએ આનંદપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વ્યોમ વ્યાસે 7 લાડુ ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

આમ, મહિલા કેટેગરીમાં 15 લાડુ સાથે પદ્મિની ગજેરા, સિનિયર સિટીઝન કેટેગરીમાં 12 લાડુ સાથે ગંભીરાસિંહ વાળા, યુવા કેટેગરીમાં 9 લાડુ સાથે જગદીશ દવે અને બાળકોની કેટેગરીમાં 7 લાડુ સાથે વ્યોમ વ્યાસ વિજેતા બન્યા હતા. ખાસ વાત એ રહી કે ચારેય કેટેગરીના વિજેતાઓ જામનગરના જ રહેવાસી છે.

સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષથી બ્રહ્મસમાજ યુવા ગ્રુપ દ્વારા જાળવી રાખવામાં આવેલી આ અનોખી પરંપરા ગણેશોત્સવ દરમિયાન સમાજના સભ્યોને એકત્રિત કરી ભક્તિ સાથે આનંદ અને મોજમસ્તીનો માહોલ સર્જી રહી છે. ગણેશજીને પ્રિય એવા મોદકને કેન્દ્રમાં રાખીને યોજાતી આ સ્પર્ધા હવે ગણેશોત્સવની અનોખી ઓળખ બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular