ધ્રોલના જાયવા ગામે રહેતાં દંપતી વચ્ચે મેળામાં જવા બાબતે બોલાચાલી થયા બાદ પતિએ પત્નીને ઠપકો આપતા તેનું મનમાં લાગી આવતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામે રહેતાં કોકીલાબેન ધિરજલાલ પરમાર (ઉ.વ.46) ને તેના પતિ ધિરજલાલ પરમાર સાથે ધ્રોલના મેળામાં જવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતે તેમના પતિ ધિરજલાલે કોકીલાબેનને ઠપકો આપ્યો હતો. આ બાબતનું કોકિલાબેનને મનમાં લાગી આવતા તા.11 ના બપોરના સમયે પોતાના મકાને રૂમમાં પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.
જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ધિરજલાલ પરમાર દ્વારા પોલીસને જાણ કરતાં ધ્રોલ હેકો આર.ડી. જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડયો હતો.


