જામનગરમાં શ્રાવણમાસની અમાસના પવિત્ર દિવસે શિવમય માહોલ છવાયો હતો. વિવિધ શિવમંદિરોમાં વહેલીસવારથી જ શિવભકતોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ જળાભિષકે, દુગ્ધાભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી તેમજ શ્રાવણી અમાસના પિતૃ-તર્પણનું પણ અનેરું મહત્વ હોય, વિવિધ મંદિરોમાં લોકોએ પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરી પિતૃઓના મોક્ષાર્થે પુજા કરી હતી.
જામનગર શહેરમાં છેલ્લાં એક મહિનાથી શિવભક્તિનો માહોલ છવાયો છે. શ્રાવણ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે. આજે શ્રાવણી અમાસને લઇ શહેરના શિવમંદિરોમાં શિવભકતોની ભાડે ભીડ ઉમટી હતી. શહેરના કાશી વિશ્ર્વનાથ મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, પ્રતાપેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, ઈચ્છેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ, કુબેરભંડારી મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ સહિતના અનેક નાના મોટા શિવમંદિરોમાં ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું. સવારથી શ્રાવણી અમાસના અંતિમ દિવસ શિવજીની પુજા-અર્ચના માટે શિવભકતોએ મંદિરોમાં લાંબી કતારો લગાવી હતી. અમાસના દિવસ વિશેષ પુજા-અર્ચનાના આયોજનો થયા હતાં.
View this post on Instagram
શિવભકતોએ ભગવાન ભોળાનાથના પ્રિય બિલ્વપત્ર અર્પણ કરવાની સાથે જળાભિષેક, દુગ્ધાભિષેક દ્વારા પુજા-અર્ચના કરી હતી. એક તરફ શ્રાવણી અમાસને લઇ શિવમંદિરોમાં શિવભકતોએ પુજા-અર્ચના કરી હતી તો બીજી તરફ શ્રાવણ માસની અમાસના દિવસે પિતૃ તર્પણનું પણ વિશેષ મહત્વ હોય લોકોએ મંદિરોમાં પીપળાના વૃક્ષને જળઅર્પણ કરી દિવો પ્રગટાવી પ્રાર્થના કરી હતી. લોકોએ પિતૃઓને યાદ કરી પિતૃતર્પણની વિધિ કરી પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી. સવારથી જ પીપળાના વૃક્ષો આજુબાજુ લોકોની ભીડ જોવા મળી હતી. આમ શ્રાવણમાસની અમાસે જામનગર શહેરમાં શિવભકિત અને પિતૃતર્પણનો માહોલ જોવા મળ્યો હતો.


