શ્રાવણ માસની અમાસની રાત્રે ગુરુવાર, તા. 10 સપ્ટેમ્બર 2026ના રોજ આશરે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં દ્વારકા તાલુકાના ગોરીંજામા આવેલ શ્રી ઓખેશ્વર મહાદેવ મંદિરની સામે નાળા નજીકથી દીપડો પસાર થતો નજરે પડ્યો હતો. આ સમગ્ર દૃશ્યનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે, જે હાલ સામે આવ્યો છે.
વાછુ ગામના દેવાભા માલાભા માણેક અને નિલેશભા પબુભા માણેકની GJ-37-T-2424 નંબરની યુટિલિટી ગાડી લઈને મંદિર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રે આશરે 10:30 વાગ્યે શ્રી ઓખેશ્વર મહાદેવ મંદિર સામે નાળા પાસેથી પસાર થતા સમયે અચાનક દીપડો નજરે પડ્યો હતો.
દીપડો નજરે પડતાં ગાડીમાંથી જ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. રાત્રિના સમયે મંદિર નજીક દીપડાની હાજરી નોંધાતા ગોરીંજા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા ખેડૂતો અને માલધારીઓમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
ખાસ કરીને રાત્રિના સમયે ખેતરો કે વાડી વિસ્તારમાં અવરજવર કરતા લોકો અને પશુધન રાખતા માલધારીઓએ વધુ સાવચેતી રાખવી જરૂરી બની છે. દીપડાની હાજરીને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને વન વિભાગ દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
ગોરીંજા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર અંગે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતો અને માલધારીઓએ રાત્રિના સમયે એકલા બહાર નીકળવાનું ટાળવા તેમજ વન્યપ્રાણી દેખાય તો તેની નજીક જવાને બદલે સુરક્ષિત અંતર જાળવવા સાવચેતી રાખવી જરૂરી છે.


