પૌરાણિક ઇતિહાસ અને ધાર્મિક મહિમાથી છલકતી ઉજ્જૈન નગરીમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ ભક્તોમાં આસ્થાનો જુવાળ જગાવ્યો છે, તો બીજી તરફ વહીવટી તંત્ર અને એન્જિનિયરો માટે એક મોટો કોયડો ઉભો કર્યો છે. ૨૦૨૮ના સિંહસ્થ કુંભમેળાની પૂર્વતૈયારીના ભાગરૂપે કંતઠાલથી છત્રી ચોક (બડા સરાફા) સુધીના માર્ગને ૧૫ મીટર પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી વચ્ચે આવતા એક પ્રાચીન હનુમાન મંદિરને તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ આશ્ચર્યજનક રીતે, મંદિરમાં બિરાજમાન ‘ખડે હનુમાનજી’ની વિશાળ મૂર્તિને ખસેડવાના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે. ૧૦ દિવસથી વધુ સમયથી ચાલી રહેલી આ મથામણ હવે જનતામાં ‘ચમત્કાર’ અને એન્જિનિયરો માટે ‘ટેકનિકલ પડકાર’નો વિષય બની ગઈ છે.
માર્ગ પહોળો કરવાના પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રાચીન મંદિરના માળખાને તો તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ હનુમાનજીની મૂર્તિ હજુ પણ તેની મૂળ જગ્યાએ અકબંધ ઊભી છે. છેલ્લા ૧૦ દિવસથી વહીવટી તંત્ર દ્વારા મૂર્તિને ત્યાંથી વિસ્થાપિત કરવા માટે સતત અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. હાઇડ્રોલિક ક્રેન, જેસીબી મશીનો અને કટર મશીનો જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં, મૂર્તિ તેના સ્થાન પરથી ‘ટસની મસ’ થઈ નથી. ઉજ્જૈન વહીવટી તંત્ર ઉપરાંત ઈન્દોરથી પણ ખાસ એન્જિનિયરો અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી હતી. આ ટીમે ૨ દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ પણ આ પ્રાચીન મૂર્તિ સામે લાચાર સાબિત થયું છે.
મૂર્તિ શા માટે ખસી શકતી નથી?
જ્યારે જ્યારે જેસીબી કે ક્રેન વડે મૂર્તિને ઉંચકવાનો કે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે મશીનરીમાં કોઈને કોઈ ખામી સર્જાતી રહી. ક્યારેક ક્રેનના પટ્ટા તૂટી ગયા, તો ક્યારેક હાઈડ્રોલિક સિસ્ટમ ફેઈલ થઈ ગઈ. આ ઘટનાઓ પછી મૂર્તિ ખંડિત થવાની ભીતિથી તંત્રે હાલમાં ભારે મશીનરીનો ઉપયોગ રોકી દીધો છે. નિષ્ણાતોના મતે, આ મામલો કેવળ ચમત્કારનો નહીં, પણ ઉચ્ચ કક્ષાના પ્રાચીન એન્જિનિયરિંગનો છે.
પ્રાચીન એન્જિનિયરિંગ કે અડગ આસ્થા?
પ્રાથમિક તપાસ અને ટેકનિકલ અભ્યાસ બાદ તંત્ર અને મ્યુનિસિપલ નિષ્ણાતોએ નીચે મુજબના તારણો કાઢ્યા છે:
૧. મજબૂત પાયો અને જમીનમાં ઊંડાઈ: સ્થાનિક તંત્રના નિષ્ણાતો મુજબ, આ મૂર્તિનો પાયો સામાન્ય મૂર્તિઓ કરતાં ઘણો મજબૂત છે. તે જમીનની અંદર રહેલા મૂળ ખડકો સાથે ઊંડે સુધી જડાયેલી છે. એવું લાગે છે કે તેને જમીનમાંથી એકીસાથે કંડારવામાં આવી હોય, અથવા તો તેના પાયામાં પથ્થરોના ‘ઇન્ટરલોકિંગ’ ની એવી ટેકનિક વપરાઈ છે કે જે તેને ખસેડવી અશક્ય બનાવે છે.
૨. મૂર્તિનો ઇતિહાસ અને બનાવટ: ૧૭૦ વર્ષ કે ૧૦૦૦ વર્ષ જૂની? મૂર્તિની ઉંમર અને ઇતિહાસ બાબતે પણ અનેક શયતાઓ સેવાઈ રહી છે. કેટલાક સ્થાનિક લોકો અને મંદિરના રેકોર્ડ તેને આશરે ૧૭૦ વર્ષ જૂની માને છે. જોકે, પુરાતત્વીય નિષ્ણાત પ્રોફેસર ડો. રમણ સોલંકીના મતે, આ મૂર્તિ માળવા પ્રદેશના અત્યંત મજબૂત એવા ‘બેસાલ્ટ’ (Basalt) પથ્થરની બનેલી છે. તેની બનાવટ પરમાર કાળ (રાજા ભોજના સમય) અથવા ૧૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાની શક્યતા છે.
૩. સિંઘુરનું પડ: વર્ષોથી મૂર્તિ પર લગાવવામાં આવેલા સિંદૂરના જાડા પડને કારણે તેની વાસ્તવિક કારીગરી જાણવી મુશ્કેલ છે, અને તેની સાચી ઉંમરનો અંદાજ કાઢવો વૈજ્ઞાનિક તપાસ વિના શક્ય નથી.
ભક્તોની આસ્થા અને સંગઠનોની માંગ
આ ઘટના પછી મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. લોકો આ ઘટનાને ‘બજરંગબલી’નો સ્વયંનો સંકેત માની રહ્યા છે અને તંત્ર સામે ‘મહાયજ્ઞ’ અને ‘મહાઆરતી’ જેવા કાર્યક્રમો કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, “હનુમાનજી પોતાના મૂળ સ્થાન પરથી ખસવા માંગતા નથી, તેથી જ કોઈ પણ તાકાત તેમને હલાવી શકી નથી.”
મંદિરના પૂજારી અને સ્થાનિક હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ માંગ કરી છે કે, “અમને સિંહસ્થ મેળા માટે રસ્તાના વિકાસ સામે કોઈ વિરોધ નથી, પરંતુ મૂર્તિના વિસ્થાપનનો સખત વિરોધ છે.” તેમની માંગ છે કે મૂર્તિને ત્યાં જ સુરક્ષિત રાખીને રસ્તાના નકશામાં ફેરફાર કરવામાં આવે અને મૂર્તિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થાય.
વહીવટી તંત્રનું ધર્મસંકટ અને આધુનિક સ્કેનિંગ
સિંહસ્થ ૨૦૨૮ના આયોજન માટે આ રસ્તો પહોળો કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. બીજી તરફ, જો તંત્ર દ્વારા મૂર્તિને વધુ બળજબરીથી ખસેડવાનો પ્રયાસ કરવામાં આવે તો મજબૂત બેસાલ્ટ પથ્થરમાં તિરાડ પડવાનો કે મૂર્તિ ખંડિત થવાનો ભય છે. વહીવટી તંત્ર હવે ભારે ઉતાવળ કરવાના મૂડમાં નથી.
પુરાતત્વ વિભાગ દ્વારા નવો પ્રયાસ
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આવી પ્રાચીન અને વિશાળ મૂર્તિને તેના મૂળ સ્થાનેથી નુકસાન પહોંચાડ્યા વિના બહાર કાઢવી એ અત્યંત સાવચેતી માંગી લેતું કામ છે. જો સ્થાનાંતરણ દરમિયાન સહેજ પણ તિરાડ પડે તો તેની ભરપાઈ થઈ શકે તેમ નથી. તેથી, હવે મૂર્તિ અને જમીનની આંતરિક રચના સમજવા માટે આઈઆઈટી ઈન્દોર અને SGSITS ના ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. હવે ‘જીઓ-સ્કેનિંગ’ અને સ્કેનર મશીનો દ્વારા મૂર્તિનો પાયો જમીનની અંદર કેટલો ઊંડો છે, અને તે કોઈ ચોક્કસ ટેકનિકથી લોક કરેલો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આ વૈજ્ઞાનિક રિપોર્ટ આવ્યા પછી જ નક્કી કરાશે કે મૂર્તિને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર કાઢવી. આસ્થા અને વિજ્ઞાન વચ્ચેનો આ અનોખો સંગ્રામ હવે કઈ દિશામાં આગળ વધે છે, તે જોવું રહેશે.


