જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત અગિયાર દિવસીય પરંપરાગત શ્રાવણી લોકમેળાએ સાતમથી દસમ સુધીના ચાર દિવસમાં જ જબરદસ્ત રંગ પકડ્યો હતો. ખાસ કરીને જન્માષ્ટમી સહિતના તહેવારોના દિવસોમાં મેળામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. હૈયે હૈયું દળાય તેવી ચિક્કાર ભીડ વચ્ચે શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી ઉમટેલા સહેલાણીઓએ મોડી રાત સુધી મેળાની મોજ માણી હતી.
સાતમ, આઠમ, નોમ અને દસમના ચાર દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકોએ શ્રાવણી લોકમેળાની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. તહેવારોના દિવસોમાં સવારથી જ પ્રદર્શન મેદાન તરફ લોકોનો પ્રવાહ શરૂ થઈ જતો હતો અને સાંજ પડતાં જ મેળામાં પગ મૂકવાની જગ્યા ન રહે તેવી ભીડ જામતી હતી. મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો મેળામાં રોકાઈ અવનવી રાઈડ્સ, રમકડાં, ખાણીપીણી સહિતના વિવિધ આકર્ષણોની મોજ માણતા જોવા મળ્યા હતા.
મેળામાં મોટી રાઈડ્સ ખાસ કરીને યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત બાળકો માટેની નાની રાઈડ્સમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ પ્રકારના રમકડાંના સ્ટોલ પર બાળકો અને વાલીઓની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. જ્યારે ખાણીપીણીના સ્ટોલ પર પણ શહેરીજનોએ વિવિધ વાનગીઓની મોજ માણી હતી. આમ, ચાર દિવસ દરમિયાન સમગ્ર પ્રદર્શન મેદાનમાં તહેવારની ઉજવણી સાથે મેળાની રંગત ચરમસીમાએ પહોંચી હતી.

રાત્રિના સમયે રોશનીથી ઝગમગતા પ્રદર્શન મેદાનનો નજારો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મેળામાં ઉમટતી વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ક્ધટ્રોલ રૂમ મારફતે મેળામાં આવતા લોકોની મદદ અને માર્ગદર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ભીડ વ્યવસ્થાપન અને લોકોની સલામતી માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે.
શ્રાવણી લોકમેળામાં મનોરંજનની સાથે વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે. મેળામાં ઔષધીય લાડુના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. શ્રાવણ માસના અંતિમ દિવસો સુધી મેળાનો માહોલ રહેવાનો હોવાથી આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટવાની શક્યતા છે.
શ્રાવણી મેળા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત
શ્રાવણી લોકમેળામાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન તથા શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલાની રાહબરી હેઠળ બે પીઆઇ, સાત પીએસઆઇ તેમજ એકસોથી વધુ એએસઆઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો સહિતનો વિશાળ પોલીસ કાફલો મેળામાં તૈનાત રહ્યો હતો.
મેળામાં ઊમટેલી વિશાળ ભીડ વચ્ચે ભીડ વ્યવસ્થાપન, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્તના પરિણામે સાતમ, આઠમ અને જન્માષ્ટમી સહિતના તહેવારના દિવસો દરમિયાન મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી, અને જામનગરના શોખીન પ્રજાજનોએ નિર્ભય વાતાવરણમાં શ્રાવણી મેળાની ભરપૂર મોજ માણી હતી.

શ્રાવણી લોકમેળામાં 4.20 લાખ લિટર પીવાનું પાણી પહોંચતું કરાયું
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી લોકમેળામાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોની સુવિધા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને તા. 3, 4, 5 અને 6 સપ્ટેમ્બરના ચાર દિવસ દરમિયાન મેળામાં ભારે ભીડ રહેતાં મેળા ના મુલાકાતીઓ માટે બનાવેલા અલગ અલગ ત્રણ પાણીના પરબમાં પાણી પહોંચતું કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના ઇજનેર નરેશ પટેલની દેખરેખ હેઠળ ગોઠવાયેલી વ્યવસ્થામાં 10 હજાર લિટરની ક્ષમતાવાળા કુલ 42 ટેન્કર, એટલે કે અંદાજે 4.20 લાખ લિટર પાણી, ભરીને મેળાના મેદાનમાં પહોંચાડવામાં આવ્યું હતું. ભીડ વચ્ચે પણ ટેન્કરો દ્વારા પાણી પહોંચાડી મેદાનમાં નિયમિત પાણી પહોંચતું કરાયું હતું.
મેળાના મુલાકાતીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપરાંત ખાણી-પીણીના સ્ટોલ સંચાલકોને પણ શુદ્ધ પાણી ઉપલબ્ધ રહે તે માટે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. તેમજ રાઇડ સંચાલકોને પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ભારે ભીડ વચ્ચે મુલાકાતીઓને અગવડ ન પડે તે માટે મહાનગરપાલિકાના મોટરવર્ક્સ વિભાગ દ્વારા સતત પાણીની વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
લોકમેળામાં ખોવાયેલા 23 મોબાઇલ અને 18 પર્સ મૂળ માલિકોને પરત કરાયા
જામનગરના શ્રાવણી લોકમેળામાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના તહેવારના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કુલ 23 વ્યક્તિઓના મોબાઇલ ફોન તથા 18 પર્સ ગુમ થયા હતા. મેળામાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓ તથા સિટી એ અને સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ખોવાયેલા મોબાઇલ અને પર્સ અંગે મળેલી વિગતોના આધારે મોબાઇલ નંબર, અન્ય સંપર્ક વિગતો તેમજ ઓળખના આધારે માલિકોનો સંપર્ક કરી તમામ મોબાઇલ ફોન અને પર્સ તેમના માલિકોને પરત કરાવવામાં આવ્યા હતા.
લોકમેળામાં વિખૂટા પડેલા 51 બાળકોને વાલીઓ સાથે મિલન
શ્રાવણી લોકમેળામાં ચાર દિવસ દરમિયાન ભીડ વચ્ચે કુલ 51 બાળકો પોતાના માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા. આ અંગે મહાનગરપાલિકાના ક્ધટ્રોલ રૂમને જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ક્ધટ્રોલ રૂમમાંથી માઇક દ્વારા જાહેરાત કરાવવામાં આવી તેમજ જરૂરી સ્થળોએ ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિણામે વિખૂટા પડેલા તમામ 51 બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા અને વાલીઓ સાથે પુન:મિલન કરાવવામાં આવ્યું હતું.
મેળામાં મહાનગરપાલિકાના તંત્ર સાથે પોલીસ તંત્રનો પણ પૂરતો સહયોગ મળ્યો હતો. વિશાળ ભીડ વચ્ચે બાળકોની સલામતી અને તેમને વાલીઓ સુધી પહોંચાડવાની કામગીરીમાં બંને તંત્રના કર્મચારીઓ સતત ખડેપગે રહ્યા હતા.
શ્રાવણી લોકમેળામાં રાત્રિભર સ્વચ્છતાની ડ્યૂટી

જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શ્રાવણી લોકમેળામાં સ્વચ્છતા જાળવવા માટે સફાઈકર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલી રાત્રિભરની કામગીરી લોકોની આંખે વળગી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવા છતાં સફાઈકર્મીઓ સતત જહેમત ઉઠાવી મેળા પરિસરને સ્વચ્છ રાખી રહ્યા છે, જેથી મેળાની મજા માણવા આવતા લોકોને કોઈ પ્રકારની હાલાકી ન પડે. શ્રાવણ માસ દરમ્યાન જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી કાગળ, પ્લાસ્ટિક, ખાણી-પીણી ની ચીજવસ્તુઓ સહિતનો કચરો થતો હોય છે. તેમ છતાં સફાઈકર્મીઓ દ્વારા સતત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહી છે.ખાસ કરીને રાત્રિના સમયે મેળો પૂર્ણ થયા બાદ સફાઈકર્મીઓ દ્વારા સમગ્ર પરિસરમાં સફાઈ કરવામાં આવે છે. દરરોજ એસએસઆઈ વિજયભાઈ બાબરીયા ના નેતૃત્વ હેઠળ આશરે 30 જેટલા સફાઈકર્મીઓ રાત્રીભર 12:00 થી સવારે 08:00 વાગ્યે સુધી સતત મહેનત કરીને મેળા ગ્રાઉન્ડની સફાઈ કરે છે. જેના કારણે બીજા દિવસે મેળામાં આવતા લોકોને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળી રહે છે.મેળામાં આવેલા એક સ્ટોલધારકે સફાઈ કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષમાં લોકમેળામાં આટલી સારી સફાઈ વ્યવસ્થા જોવા મળી નથી. સફાઈકર્મીઓ રાત્રીભર જહેમત ઉઠાવીને મેળાની સફાઈ કરે છે, જેના કારણે વેપારીઓ તેમજ મેળામાં આવતા લોકોને પણ ખૂબ રાહત મળે છે.લોકમેળામાં બાળકો સહિત પરિવારો મોટી સંખ્યામાં રાઈડ્સ, ખાણી-પીણી અને મનોરંજનની મજા માણવા આવતા હોય છે. આવા સમયે સ્વચ્છતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. સફાઈકર્મીઓની સતત મહેનતના કારણે મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહેતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.શ્રાવણી લોકમેળામાં સફાઈકર્મીઓ દ્વારા રાત્રીભર કરવામાં આવેલી આ કામગીરી માત્ર પ્રશંસનીય જ નહીં પરંતુ સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે.
લોકમેળા દરમ્યાન ફૂડ શાખા દ્વારા ફૂડ સ્ટોલનું ચેકિંગ
શ્રાવણ માસ દરમિયાન જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા શ્રાવણી લોકમેળામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વહેલી સવારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે મેળાના વિવિધ ફૂડ સ્ટોલ પર આકસ્મિક તપાસ શરૂ કરી હતી. તેમજ વાસી અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો.
ચેકિંગ દરમિયાન કેટલાક સ્ટોલ પરથી વાસી તેમજ ખાવા માટે અયોગ્ય જણાયેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આરોગ્યની દ્રષ્ટિએ અસુરક્ષિત જણાયેલા આ જથ્થાનો ટીમ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 40 કિલો સ્ટીમ ઢોકળા, 200 નંગ પાંવ, 2 કિલો દહીં, 10 કિલો વાસી ચટણી તેમજ 2 કિલો બળી ગયેલું અને બિનઉપયોગી ખાદ્ય તેલનો સમાવેશ થાય છે.મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મેળામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સને વાસી કે અસ્વચ્છ ખોરાકનું વેચાણ ન કરવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને યોગ્ય સંગ્રહ અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરી વાસી, અસ્વચ્છ અથવા અસુરક્ષિત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર સામે નિયમોનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મેળામાં આવતા નાગરિકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે ફૂડ સ્ટોલ પર સતત નજર રાખવામાં આવશે.મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શ્રાવણી મેળા દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી નાગરિકોને સ્વચ્છ, હાઇજેનિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


