કલ્યાણપુર નજીક મોટરકારના ચાલકે યુવાનને ઠોકર મારતા તેમનું ગંભીર ઈજાઓથી મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરના પાણાખાણ વિસ્તારમાં આવેલી મથુરા સોસાયટી ખાતે રહેતા મનસુખભાઈ ગોકળભાઈ સોનગરા (ઉ.વ.42) નામન વેપારી યુવાન ગત તા. 5 ના કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર હરિયાવર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 05 આર.એક્સ. 9028 નંબરની એક મોટરકારના ચાલકે તેમને પાછળથી ઠોકર મારતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે કાંતિલાલ મોહનભાઈ સોનગરાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કારના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.


