Thursday, September 3, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા

જામનગરમાં આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા

20મા વર્ષે 20 સ્થળોએ મટકીફોડનું આયોજન : ખીજડા મંદિરથી શોભાયાત્રાનો થશે પ્રારંભ : શહેરના વિવિધ માર્ગો પર ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમો

‘છોટીકાશી’ તરીકે સુપ્રસિદ્ધ એવા જામનગરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 19 વર્ષથી નીકળતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ 20માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે. તે પૂર્વે ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા બેઠકોમાં શોભાયાત્રાનું સંકલન કરવામાં આવ્યું છે. આ સાર્વજનિક કાર્યમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 20થી વધુ ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર છે અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગરમાં છેલ્લા દોઢ મહિનાથી જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે તમામ સંસ્થાઓ અને અગ્રણીઓ સાથે ભારે ઉત્સાહથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઘડિયો ગણાઇ રહી છે ત્યારે શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સાર્વજનિક શોભાયાત્રાના સુચારુ આયોજન માટે 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત આચાર્ય કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અનેક બેઠકોમાં જન્માષ્ટમી શોભાયાત્રાનું સંકલન કરવામાં આવ્યું છે .

જામનગરમાં નીકળી રહેલી 20મી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા અનુસંધાને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત આચાર્ય કૃષ્ણમણિજી મહારાજે ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણમયી બની ભાવપૂર્વક આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આહવાન કર્યું છે. અને સમયસર લોકોએ પણ શોભાયાત્રા પ્રારંભે જોડાઈ અને સમયનો પણ ખાસ ધ્યાન રાખવા ભાર મૂક્યો હતો. જામનગર શહેરમાં 20માં વર્ષે નીકળી રહેલી શોભાયાત્રા ને લઈને 20 જેટલી જગ્યાઓએ જાહેર સ્થળો ઉપર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા માટે ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો-અગ્રણીઓના આહવાન કરતા બેનરો લાગ્યા છે. આ ઉપરાંત ગાગિયા એન્ડ સન્સના ભાવેશભાઈ ગાગીયા (બાદશાહભાઈ)ના સહયોગથી સ્ટીકરો, રીક્ષા બેનરો પણ લગાવી બહોળો પ્રચાર પ્રસાર પણ થયો છે. સનાતનની ગૌરવ સાથે હાથ ધરાયેલ હર ઘર ભગવા અભિયાન અંતર્ગત પણ વિશ્ર્વ હિન્દુ પરિષદના ભરતભાઈ ડાંગરિયા, રમેશભાઈ તારપરા, નિલેશભાઈ વાટલિયા, રસિકભાઈ અમરેલીયા, વેપારી અગ્રણી જીતુભાઈ લાલ, રાકેશભાઈ ડેર, કેતનભાઇ નાખવા, પ્રવીણાબેન રુપડિયા, જયેશભાઈ કથીરિયા, માવજીભાઈ રામોલિયા, દિનેશભાઈ ડાંગરિયા, મગનભાઈ (ભારત પ્રિસિઝન) સહિતના અગ્રણીઓ અને નામી અનામી અનેક ધર્મપ્રેમીઓ દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો. જેને લઇને ખુશી વ્યક્ત કરી સૌ દાતા અને સૌજન્ય આપનાર લોકોને પણ ધન્યવાદ આપી આશીર્વાદ પાઠવ્યા હતા.

- Advertisement -

જામનગરમાં સતત 19 વર્ષથી નીકળી રહેલી શોભાયાત્રા આ વર્ષે 20માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે જેના માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના સમિતિના કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, દિલીપભાઈ આશર, ભીમશીભાઇ પીઠિયા, કિશનભાઇ વસરા સહિતના અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સંકલન કરી આ વર્ષે નીકળનારી શોભાયાત્રા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અને નક્કી થયા મુજબ 4 સપ્ટેમ્બરના સવારે 8:30 કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાના ખાસ તૈયાર કરાયેલા મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોત વિધિથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવશે. અને ખીજડા મંદિરથી શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રા 20થી વધુ વિવિધ ધાર્મિક ફ્લોટ્સ સાથે જામનગરના રાજમાર્ગો પર પ્રસ્થાન કરશે.

જામનગરમાં નીકળી રહેલી 20મી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ, આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી, વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ, ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌ સમ્માન આહ્વાન અભિયાન, જામનગર લોહાણા મહાજન, સમસ્ત બ્રહ્મ સમાજ, જિલ્લા શહેર સૌરાષ્ટ્ર કચ્છ, હરે કૃષ્ણવાળા રાજુભાઈ કાન્ત, ઓમ યુવક મંડળ , પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી સહિતની સંસ્થાઓ પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે.

- Advertisement -

આ શોભાયાત્રા પૂર્વે ખાસ વધુ પ્રચાર થાય તે માટે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો છે જેમાં અલગ અલગ બે સાઈઝમાં ફોટા સાથેના સેલ્ફી બનાવવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે તે પૂર્વે સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા બાદ હવાઈ ચોક પહોંચશે જ્યાં ધર્મ ધજા લહેરાવશે અને હવાઈ ચોક મિત્ર મંડળના મનિષભાઈ કનખરા, કોર્પોરેટર ધવલભાઈ નાખવા, અમરભાઈ કનખ રા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ કરવામાં આવશે. ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કરાશે. ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાશે. ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે તેમજ મટકીફોડ અને પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ યોજાશે. ત્યાંથી દરબારગઢ વિસ્તારમાં વિરાટ બજરંગદળ દ્વારા સ્વાગત અને મટકીફોડ, પોસ્ટ ઓફિસ પાસે સમસ્ત ભોઈ સમાજ દ્વારા મટકી ફોડ અને શોભાયાત્રાનું સ્વાગત સન્માન કરાયા બાદ ચાંદી બજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પ્રસાદ વિતરણ તેમજ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે જ્યાં રાસ ગરબા પણ કરવામાં આવનાર છે. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે સાર્વજનિક શોભાયાત્રાનું આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા સ્વાગત અને મટકી ફોડ યોજવામાં આવશે. જ્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચશે જ્યાં જામનગર ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત મટકી ફોડ કરાશે. ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબિયા રાજપુત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે યુવા બ્રહ્મ અગ્રણી દેવેનભાઈ જોશી અને તેની ટીમ દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રાના સ્વાગત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે ગુરૂ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પહોંચે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેની ટીમ દ્વારા આયોજિત મટકી ફોડ થશે. ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ પાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મટકીફોડ શોભાયાત્રાનું સ્વાગત થયા બાદમાં પંચેશ્ર્વર ટાવર પાસે ભરવાડ સમાજ જામનગરના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવશે. ત્યારબાદ સત્યનારાયણ મંદિર રોડ તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત સત્યનારાયણ મંદિર રોડ પર સવાસો વર્ષથી વધુ પ્રાચીન સત્યનારાયણ મંદિરનાં મુખ્યાજી તથા સત્યનારાયણ સેવા ટ્રસ્ટનાં હોદ્દેદારો અને ભક્તગણ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને મટકીફોડ પણ યોજાશે. આમ, 20 જેટલા જાહેર સ્થળો પર મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજવાનું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી નક્કી કરવામાં આવ્યું છે.

જામનગરમાં શ્રી કૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિરેથી નીકળી શહેરના નિર્ધારિત રૂટ કરાયેલા છે. તેવા વિવિધ રાજમાર્ગો પર થી ફરી હવાઈ ચોક શોભાયાત્રા સંપન્ન થશે. જ્યાં શોભાયાત્રામાં સંમેલિત ધર્મપ્રેમીઓ રાસ ગરબા યોજી શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં અનેરુ ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે અને આ વર્ષે 20મી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં ધાર્મિક 20 થી વધુ ફ્લોટ્સ ઉમેરાયા છે અને 20 જેટલા સ્થળોએ મટકીફોડ, સ્વાગતના કાર્યક્રમો યોજાશે.

આ વર્ષે જન્માષ્ટમી પૂર્વે 3 સપ્ટેમ્બરે “કાન્હાને મારૂ માખણ” અંતર્ગત ભક્તોને માખણ ધરાવી સહભાગી બનાવવા આયોજન કરાયું છે. આ અભિગમ સાથે કૃષ્ણ ભક્તોને શોભાયાત્રા દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની ભાવતા માખણ ધરાવી સહભાગી થવા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. કાન્હાને મારૂ માખણ અંતર્ગત જામનગર શહેરભરમાં વસતા તમામ ધાર્મિક સંસ્થાઓ, ભક્તજનો, મહિલા મંડળ, સત્સંગ મંડળને ખાસ 15મી ઓગસ્ટના રોજ સાંજે 5:30 થી 6:00 કલાક દરમિયાન પોતાના ઘરેથી તાજુ માખણ લાવી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે ભક્તિ ભાવ સાથે માખણ અર્પણ કરવા માટે આહવાન કરાયું છે. આ માખણ શોભાયાત્રાના રૂટ પર ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નીકળશે. તે દરમિયાન મટકીઓ બાંધવામાં આવશે. તેમાં પધરાવવામાં આવનાર છે. અને કાન્હાને સૌ કોઈ પ્રેમથી ભક્તિથી પોતાનું માખણ ધરાવે તે પ્રકારનો નવો અભિગમ સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા અપનાવવામાં આવ્યો છે.

આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાની માહિતી અને આમંત્રણ આપવા માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ કિંજલભાઇ કારસરિયા, ભીમશીભાઇ પીઠિયા, કિશનભાઇ વશરા, હરિશભાઇ રાજપરા “ખબર ગુજરાત” મુલાકાતે પધાર્યા હતાં.

માખણચોર કાન્હાને માખણ ધરાવવાનો દરેક ભક્તને મળશે અભૂતપૂર્વ અવસર

આ વર્ષે જન્માષ્ટમી પૂર્વે આજે “કાન્હાને મારૂ માખણ” અંતર્ગત ભક્તોને માખણ ધરાવી સહભાગી બનાવવા આયોજન કરાયું છે. આ અભિગમ સાથે કૃષ્ણ ભક્તોને શોભાયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણની ભાવતા માખણ ધરાવી સહભાગી થવા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. કાન્હાને મારૂ માખણ અંતર્ગત જામનગર શહેરભરમાં વસતા તમામ ધાર્મિક સંસ્થાઓ, ભક્તજનો, મહિલા મંડળ, સત્સંગ મંડળને ખાસ આજે સાંજે 5:30 થી 6:00 કલાક દરમિયાન પોતાના ઘરેથી તાજુ માખણ લાવી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે ભક્તિભાવ સાથે માખણ અર્પણ કરવા માટે આહવાન કરાયું છે. આ માખણ શોભાયાત્રાના રૂટ પર ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળશે તે દરમિયાન મટકીઓ બાંધવામાં આવશે તેમાં પધરાવવામાં આવનાર છે. અને કાન્હાને સૌ કોઈ પ્રેમથી ભક્તિથી પોતાનું માખણ ધરાવે તે પ્રકારનો નવો અભિગમ સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા અપનાવવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular