જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે સમર્પણ સર્કલ ઓવરબ્રીજ તરફથી આવી રહેલા ટ્રકમાં એકાએક ક્ષતિ સર્જાતા ચાલકે કાબૂ ગૂમાવી દેતાં ટ્રક સર્કલ પરના ટ્રાફિક આઇલેન્ડમાં ઘૂસી જાય તે પૂર્વે ચાલક જીવ બચાવવા કૂદતાં પગમાં ઇજા પહોંચી હતી.
અકસ્માતના વિચિત્ર બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ તરફથી દિગ્જામ સર્કલ તરફ આવી રહેલા જીજે10 ઝેડ 5353 નંબરના ટ્રકમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં ટ્રક બેકાબૂ બની ગયો હતો. જેથી ચાલકે અન્ય કોઇની જિંદગી ન જોખમાય તે રીતે બચાવ કરવા જતાં ટ્રક દિગ્જામ સર્કલ પર બનેલા ટ્રાફિક આઇલેન્ડમાં ધડાકાભેર અથડાયો હતો. ટ્રક બેકાબૂ બનતા ચાલકે જીવ બચાવવા ચાલુ ટ્રકે કૂદકો માર્યો હતો. જેના કારણે ટ્રકચાલકને પગમાં ઇજા પહોંચી હતી. ટ્રક ધડાકાભેર આઇલેન્ડમાં અથડાઇને રોકાઇ ગયો હતો. સદ્નસીબે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત બાદ લોકો એકઠાં થઇ ગયા હતા. અને પોલીસમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ઘવાયેલા ટ્રકચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં પોલીસે ટ્રકચાલકની પૂછપરછ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


