દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના હુશેનીચોક વિસ્તારમાં રહેતાં મકરાણી શખ્સના ઘરમાં નશીલા પદાર્થનો જથ્થો હોવાની બાતમીના આધારે રેઇડ દરમ્યાન મકાનમાંથી એસઓજીની ટીમે રૂા. 1.52 લાખની કિંમતનો 3.056 કિલો ગાંજો અને 91 બોટલ દારૂ પણ મળી આવતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના હુશેની ચોક વિસ્તારમાં રહેતા રિઝવાન ઈસુબભાઈ અયુબભાઈ બ્લોચ (ઉ.વ. 20) નામના મકરાણી શખ્સના મકાનમાં નશીલા પદાર્થનો જથ્થો હોવાની બાતમીના આધારે દ્વારકા એસઓજીની ટીમએ રેઇડ દરમ્યાન તેના રહેણાંક મકાનમાં તલાશી લેતાં તેમાંથી રૂા. 1,52,800 ની કિંમતના 3.056 કિલોગ્રામ ગાંજાના જથ્થો મળી આવ્યો હતો. તેમજ મકાનમાંથી પોલીસને રૂપિયા 34,857 ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી કુલ 91 બોટલ મળી આવી હતી. એસઓજીની રેઇડ દરમ્યાન ગાંજાના જથ્થાની સાથે સાથે દારૂની બોટલો પણ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. એસઓજીએ રીઝવાનની પૂછપરછ હાથ ધરતાં આ ગાંજો તેણે વિસનગરના રહીશ તાજમહંમદ જાનમહંમદ ફકીર નામના શખ્સ પાસેથી વેચાણઅર્થે મેળવ્યો હોવાની કેફિયતના આધારે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ તેની ધરપકડ કરી સપ્લાયર તાજમહંમદ ફકીરને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરાંત રીઝવાનના મકાનમાંથી મળી આવેલી 91 બોટલ દારૂ અંગેની પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો રીઝવાન બ્લોચે પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ખાતે રહેતા ચના રબારી નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.


