આજના આધુનિક અને 21મી સદીના ડિજિટલ યુગમાં ટેક્નોલોજી આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગઈ છે. ઓફિસનું કામ હોય, અભ્યાસ હોય કે પર્સનલ લાઈફ, આપણો મોટાભાગનો ડેટા હવે કાગળ પરથી હટીને ઓનલાઈન ડિજિટલ સ્વરૂપમાં શિફ્ટ થઈ રહ્યો છે. આ બદલાવ પાછળનું સૌથી મોટું અને ક્રાંતિકારી માધ્યમ ‘ક્લાઉડ ટેક્નોલોજી’ છે. જેમ-જેમ ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે, તેમ-તેમ ડેટાને સાચવવાની પદ્ધતિઓ પણ બદલાઈ છે. જેટલી આ સુવિધા સહેલી અને આકર્ષક છે, તેટલી જ તેમાં સાયબર સુરક્ષા પ્રત્યે સાવચેતી રાખવી પણ અનિવાર્ય બની ગઈ છે.તો ચાલો જાણીએ કે કલાઉડ શું છે અને તેમાં ડેટાસ્ટોર કરતા પહેલા શું સાવચેતી રાખવી જોઈએ ?
ક્લાઉડ એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો, ક્લાઉડ એ એક ડેટા રૂપી “ઈ-વાદળ” છે. તે વાસ્તવમાં કોઈ આકાશમાં આવેલું વાદળ નથી, પરંતુ ઇન્ટરનેટ આધારિત એક એવું સુપર પાવરફુલ સર્વર છે જે ડેટાનો સંગ્રહ કરવા માટેનું ચોક્કસ પ્રકારનું કમ્પ્યુટર છે.
ઇન્ટરનેટના માધ્યમથી કોઈપણ વપરાશકર્તા પોતાના મોબાઇલ, ટેબ્લેટ કે કમ્પ્યુટર સાથે આ ક્લાઉડ સર્વરને ગમે ત્યારે અને ગમે ત્યાંથી જોડી શકે છે. આ ટેક્નોલોજીની મદદથી કોઈપણ ઉપયોગકર્તા પોતાનો અગત્યનો ડેટા (જેમ કે ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ) કે સોફ્ટવેરને ક્લાઉડ સર્વર પર સુરક્ષિત રીતે સંગ્રહી શકે છે. જ્યારે પણ ડેટાની જરૂર હોય ત્યારે ઇન્ટરનેટના માધ્યમથી પોતાના એકાઉન્ટમાં લોગ-ઇન થઈને તે ડેટા ખૂબ જ સરળતાથી પાછો મેળવી શકે છે. આ માટે તમારે કોઈ પેનડ્રાઈવ કે હાર્ડડિસ્ક સાથે રાખવાની જરૂર પડતી નથી.
ક્લાઉડ સ્ટોરેજના મુખ્ય ફાયદાઓ
- ગમે ત્યાંથી એક્સેસ: તમે દુનિયાના કોઈપણ ખૂણે હોવ, જો તમારી પાસે ઇન્ટરનેટ અને ડિવાઇસ હોય તો તમે તમારો ડેટા મેળવી શકો છો.
- ડેટા લોસનો કોઈ ડર નહીં: જો તમારો મોબાઈલ કે કમ્પ્યુટર બગડી જાય અથવા ખોવાઈ જાય, તો પણ ક્લાઉડ પર રહેલો ડેટા સુરક્ષિત રહે છે અને નવા ફોનમાં લોગ-ઈન કરતા જ પાછો મળી જાય છે.
- સ્ટોરેજ સ્પેસની બચત: તમારા ફોન કે કમ્પ્યુટરની મેમરી (Internal Storage) ફૂલ થતી અટકે છે, જેથી ડિવાઇસ હેંગ થતું નથી.
- આપણે રોજિંદા જીવનમાં ક્યાં વાપરીએ છીએ ક્લાઉડ? ગુગલ ડ્રાઈવ, ગુગલ ફોટોઝ, ઇમેઇલ, અને વોટ્સએપ ચેટ બેકઅપ એ ક્લાઉડ સ્ટોરેજના જ ઉત્તમ ઉદાહરણો છે.
જો ક્લાઉડમાં ડેટાનો સંગ્રહ કરીએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- ક્લાઉડનો ઉપયોગ કરતી વખતે ડેટા લીક કે સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબના સુરક્ષા પગલાં લેવા ખૂબ જ જરૂરી છે:
- યુઝર આઈડી/પાસવર્ડ સુરક્ષા: તમારા એકાઉન્ટના યુઝર આઈડી અને પાસવર્ડ ક્યારેય પણ ક્યાંય ઓટો-સેવ ન કરો અને કોઈની પણ સાથે શેર ન કરો.
- પબ્લિક વાઈ-ફાઈથી બચો: રેલવે સ્ટેશન, કાફે કે હોટલના પબ્લિક વાઈ-ફાઈ/હોટસ્પોટ પર ક્યારેય પણ બેંકિંગ કે અન્ય સેસેટિવ (સંવેદનશીલ) ડેટા શેર કરવાનું ટાળો.
- કુકીઝ ક્લિયર અને લોગઆઉટ: કોઈપણ સાધનમાં કામ પત્યા પછી ખાસ કરીને લોગ ઇન થયા પછી કુકીઝ ક્લિયર કરો અને એકાઉન્ટને લોગઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે.
- લોગ ઇન એલર્ટ સક્રિય રાખો: તમારા સેટિંગ્સમાં લોગ ઇન એલર્ટ હંમેશા સક્રિય (Active) રાખો, જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટમાં ઘૂસવાનો પ્રયત્ન કરે તો તુરંત નોટિફિકેશન મળી જાય.
- સુરક્ષિત અને સર્ટિફાઇડ સર્વિસ: હંમેશા સુરક્ષિત અને અપડેટેડ ક્લાઉડ સર્વિસનો જ ઉપયોગ કરો. ડેટા સિક્યુરિટી સ્ટાન્ડર્ડ્સ (DSS) સર્ટિફિકેટ ધરાવતી જાણીતી કંપનીના પ્લેટફોર્મની જ પસંદગી કરો.
- મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA): એકાઉન્ટના બેકઅપ અને મજબૂત સુરક્ષા માટે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન સેટ કરવું અત્યંત જરૂરી છે.
- ડેટા એન્ક્રિપ્શન: સંવેદનશીલ અને પર્સનલ ડેટા માટે હંમેશા એન્ક્રિપ્શનનો ઉપયોગ કરો, જેથી હેકર્સ પણ તેને ઉકેલી ન શકે.
- અપડેટેડ સોફ્ટવેર: તમારા ફોન કે કમ્પ્યુટરમાં હંમેશા અપડેટેડ સોફ્ટવેર/સિસ્ટમ્સ જ વાપરો, જેથી સિક્યુરિટી લૂપહોલ્સ ન રહે.
- ફિશિંગ મેસેજથી સાવધાન: ક્લાઉડ એકાઉન્ટ બ્લોક થવાના કે પાસવર્ડ રીસેટ કરવાના બહાને આવતા શંકાસ્પદ ફિશિંગ મેસેજ/ઇમેઇલની લિંક્સથી હંમેશા સાવધાન રહો.
આજની ડિજિટલ લાઈફસ્ટાઈલમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ એ કોઈ વૈભવ નહીં પરંતુ એક અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. તે આપણને અદભુત ડિજિટલ સ્પેસ અને ફ્રીડમ આપે છે. પરંતુ સિક્કાની બે બાજુની જેમ, આ સુવિધા સાયબર જોખમો પણ લાવે છે. “સાવચેતી એ જ સિક્યુરિટી” ના મંત્રને અપનાવીને જો આપણે ડિજિટલ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું, તો ક્લાઉડ ટેક્નોલોજી આપણા માટે આશીર્વાદ સમાન સાબિત થશે. સ્માર્ટ યુઝર બનીને જ આપણે ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહી શકીએ છીએ.
Reference: Gujarat Police Cyber Crime Branch
(અસ્વીકરણ: હાલ ડિજિટલ યુગમાં થતા સાયબર ગુનાઓને ધ્યાને રાખી સાવચેતીરૂપ આ માહિતી પ્રદાન કરવામાં આવેલ છે. જો આપ કોઈ પણ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો તો તરત જ 1930 ડાયલ કરો અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. આપ નજીકની સાયબર ક્રાઇમ બ્રાન્ચનો પણ સંપર્ક કરી શકો છો.)


