ભાણવડ શહેરમાં સરકારી તંત્ર દ્વારા બનાવાયેલી ભૂગર્ભ ગટરની કામગીરી નબળી અને ગુણવતા વગરની હોવાથી સ્ટોરેજ કૂંડીઓ કેટલાક ઠેકાણે છલકાઇ રહી છે એમાં તાલુકા પંચાયતની સામે આવેલ શિવનગર વિસ્તારમાં સ્ટોરેજ કૂંડી વારંવાર છલકાઇ જવાની ફરિયાદ ઉઠી છે. ગંદા પાણી રહેણાંક સુધી ફેલાતા રોગચાળો ફેલાવાનો ભય રહે છે. આ બાબતને લઇને ભાણવડ શહેર આપના પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજાએ સ્થાનિક તંત્રને રોષભેર લેખિત રજૂઆત કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગણી કરી છે.
શહેરમાં ગંદકીની સમસ્યાને નિવારવા માટે સરકારી તંત્રે કરોડો ખર્ચે ભૂર્ગભ ગટર યોજના બનાવી છે, યોજના તૈયાર થવાથી ગંદકીની સમસ્યાનું નિવારણ આવશે એમ લોકો માની રહ્યા હતાં. પરંતુ આ યોજના જાણે કે છેતરામણી બની હોય તેમ કેટલાયે ઠેકાણે સ્ટોરેજ કૂંડી છલકાઇ રહી છે. જેથી કામમાં કહેવાતી ગેરરિતીના આક્ષેપો લોકોમાં થઇ રહ્યા છે.
શહેરના રણજીતપરામાં તાલુકા પંચાયતની સામે જ શિવનગરના રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીના સંગ્રહ માટે બનાવાયેલી મસમોટી સ્ટોરેજ કૂંડીઅવારનવાર છલકાઇ જાય છે અને તેના ગંદા પાણી લોકોના રહેણાંક સુધી ફેલાઇ જવાથી પારાવાર હાલાકી ભોગવવી પડે છે તેમજ માખી, મચ્છર જેવી જીવાતોનો ઉપદ્રવ રહેવાથી રોગચાળાનો ભય લોકોમાં ખડો થયો છે, આ સિવાય ભૂગર્ભ ગટરની કૂંડીઓના કહેવાતા ઢાંકણા પણ શહેરમાં કેટલીક જગ્યાએ જર્જરીત બની ગયા છે. પરિણામે અકસ્માતની દહેશત સેવાઇ રહી છે. એવી રજૂઆત ‘આપ’ના શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજાએ કરી છે.


