જામનગર મહાનગરપાલિકાની સફાઈ વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં નિયમિત કચરો ઉપાડવાની ફરિયાદો વચ્ચે હવે ભંગાર જેવી હાલતમાં પહોંચેલી કચરાપેટીઓને રાત્રિના અંધારામાં રંગીને નવી જેવી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે, દિવસ દરમિયાન નહીં પરંતુ રાત્રે ગાર્બેજ કલેક્શન વાહનની લાઇટના પ્રકાશમાં જ કચરાપેટીઓ પર રંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું ખરેખર સફાઈ સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, માત્ર દેખાવ સુધારવાની કવાયત? શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને દુર્ગંધની સમસ્યા યથાવત્ હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે કચરો સમયસર ઉપાડવાની જગ્યાએ જૂની અને ભંગાર બનેલી કચરાપેટીઓને રંગરોગાન કરીને ચમકાવવાની કામગીરીને લઈને નાગરિકોમાં ચર્ચાઓ જગાવી છે.
View this post on Instagram
સ્થાનિકોનું કહેવું છે કે, શહેરને સ્વચ્છ બનાવવું હોય તો માત્ર રંગરોગાનથી નહીં, પરંતુ નિયમિત કચરા ઉઠાવવાની અસરકારક વ્યવસ્થા, તૂટી ગયેલી કચરાપેટીઓનું બદલતર અને સમગ્ર સફાઈ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. હાલ આ પ્રકારની કામગીરીને લઈને લોકોમાં ચર્ચા એ છે કે શહેરની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ કરતાં માત્ર દેખાવ સુધારવાના પ્રયાસો વધુ થઈ રહ્યા છે.


