ખંભાળિયામાં ગત સપ્તાહમાં થયેલી આધેડની કરપીણ હત્યા તથા લૂંટના બનાવમાં ખંભાળિયા પોલીસે વધુ એક શખ્સને ઝડપી લીધો હતો. આ શખસે લાશ તથા પુરાવાઓના નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયામાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા તથા ખૂબ જ મોટી માત્રામાં કિંમતી સોનું પહેરવાનો શોખ ધરાવતા આસીફભાઈ ઓસમાણભાઈ લાખા નામના આધેડને વિરમદળ માર્ગ પર લઈ જઈ અને બોથડ તેમજ તીક્ષણ પદાર્થ વડે બેફામ માર મારી તેમની કરપીણ હત્યા નિપજાવવાના પ્રકરણમાં પોલીસે તુરત જ મૃતકના પરિચિત એવા હાજા ભારમલ આસાણી નામના એક શખ્સની અટકાયત કરી હતી અને આશરે રૂપિયા સાડા 28 લાખની કિંમતના સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં કાયદાથી સંઘર્ષિત એક કિશોર પણ સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના તપાસનીસ અધિકારી પી.આઈ. સી.આર. રાણાની વધુ તપાસ દરમિયાન આ બનાવમાં ગુનાને અંજામ આપ્યા બાદ લાશને સગેવગે કરવા તથા પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરવાની જવાબદારી લેવા સબબ પોરબંદર રોડ ઉપર આવેલી ગુલાબનગર ટેકરી વિસ્તારના રહીશ રવિ સુરાભાઈ ગમાણા નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસે ગુના માટે ઉપયોગમાં લેવામાં આવેલો મોબાઈલ ફોન અને મોટરસાયકલ પણ કબ્જે લીધું છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. સી.આર રાણા. પી.એસ.આઈ. જે.ડી. ચાવડા, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણિયા, હરપાલસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજીયા, કનુભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, જેઠાભાઈ પરમાર, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા, ભૂપેન્દ્રસિંહ જાડેજા અને અરજણભાઈ આંબલિયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


