જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં લોકોમાં અસંતોષ અને રોષ પણ સામે આવી રહ્યો છે.
શહેરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમાં એક સોસાયટીના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના લોકોએ બેનરો લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ વખતે મતદાનમાં ભાગ નહીં લેવાની ચીમકી ઉચ્ચારી છે.
આ વિસ્તારમાં અંદાજે 200થી વધુ પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી વિસ્તારની અવગણના થઈ રહી છે. નિયમિત સફાઈ ન થવી, ગટરો ઉભરાતી રહેવી, તેમજ વરસાદી પાણી ભરાતા નુકસાન થવું જેવી સમસ્યાઓ યથાવત છે. સાથે જ સરકારી સહાયથી પણ વંચિત રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે આ વિસ્તારમાં ન આવવું અને આ વખતે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. બેનરો મારફતે લોકો પોતાનો આક્રોશ જાહેર રીતે વ્યક્ત કરી રહ્યા છે. વેરો પુરો લેવાય છે પરંતુ પ્રાથમિક સુવિધા અને સરકારી યોજનાનો લાભ ના મળતા સ્થાનિકો રાજકીય પક્ષો પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. દૈનિક સફાઈ ના થતા મહિલાઓમા રોષની લાગણી ફેલાઈ છે.


