ધ્રોલ તાલુકાના ગોલિટા ગામમાં રહેતો યુવાન રણુજાના મેળામાં ગયો હતો. તે દરમ્યાન સપ્ટેમ્બર માસમાં ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકર મારી હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. લાંબી સારવારના અંતે યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ગોલિટા ગામમાં રહેતો જગદિશભાઇ નાનજીભાઇ વાઘેલા (ઉ.વ.30) નામનો યુવાન રણુજાના મેળામાં આવ્યો હતો. ગત્ તા. 03 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં કાલાવડ-રણુજા રોડ પર શૈલેષભાઇ ચુડાસમા પાસેની વાડીના ધોરીમાર્ગ પરથી ચાલીને જતો હતો ત્યારે પાછળથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા અજાણ્યા વાહને જગદિશને ઠોકર મારી હડફેટ લેતાં શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ થવાથી બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સાડા પાંચ મહિનાથી વધુ સમયની સારવાર બાદ શુક્રવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ અરવિંદ દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


