જામખંભાળિયાના વતની અને રાજકોટ સ્થાયી થયેલા લોહાણા પ્રૌઢનું ગઇકાલે સવારે વડોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજયું છે. જયારે તેમની સાથે રહેલા ભાણેજ એવા જામનગરના યુવાનને ઇજા થઇ હતી.

આ ગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે, જામખંભાળિયાના વતની રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી રાજકોટ સ્થાયી થયા છે અને તેઓ જામનગર વસવાટ કરતા પોતાના ભાણેજ હિરેન જગદીશભાઇ દાવડા સાથે શનિવારે વ્હેલી સવારે 3 વાગ્યે થાર જીપ નં.જીજે-3 એમબી-9829માં ગોવા જવા માટે રવાના થયા હતા.
આ દરમીયાન ગઇકાલે સવારે 7 વાગ્યાના અરસામાં મામા-ભાણેજનું વાહન વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહ્યું હતું. ત્યારે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર માતર ટોલ નાકા નજીક ખટારા નં.ટીએ-52-એમ-1059ને ઓવરટેક કરવા જતાં થાર જીપ ખટારાના પાછળના ભાગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં થાર જીપની આગલી સીટ પર બેસેલા રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી (ઉ.વ.51)નું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયું હતું. જયારે જીપ ચલાવી રહેલા હિરેન જગદીશભાઇ દાવડાને સામાન્ય ઇજા થઇ હતી.


