હોળી-ધુળેટીના પાવન અવસર પર દ્વારકા ખાતે યોજાયેલા ફુલડોલ ઉત્સવ દરમિયાન માનવતા અને ફરજનિષ્ઠાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું. આજે સવારે આશરે 7:00 વાગ્યે ‘કેરલ’ રાજ્યમાંથી ખાસ ટ્રેન દ્વારા દ્વારકા ખાતે દર્શનાર્થે પધારેલા અંદાજિત 400 યાત્રિકોમાંથી એક 76 વર્ષીય વૃદ્ધા અચાનક અસ્વસ્થ થઈ જતા તાત્કાલિક ચિંતાનો માહોલ સર્જાયો હતો.
પરિસ્થિતિની ગંભીરતા સમજી દેવભૂમિ દ્વારકા પોલીસે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર માનવતા દર્શાવી વૃદ્ધાને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર ઉપલબ્ધ કરાવી. તબીબી સારવાર મળ્યા બાદ વૃદ્ધાની તબિયતમાં સુધારો નોંધાયો અને તેમણે દ્વારકાધીશના દર્શન કરવાની પોતાની અદમ્ય ઈચ્છા વ્યક્ત કરી.
View this post on Instagram
વૃદ્ધાની આ ભાવનાને માન આપતાં પોલીસ તંત્ર દ્વારા તેમના સ્નેહીઓ સાથે સુરક્ષિત રીતે દર્શન વ્યવસ્થા પણ કરાવવામાં આવી. આ ઘટનાએ સાબિત કરી દીધું કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની જ જવાબદારી નિભાવતી સંસ્થા નથી, પરંતુ દરેક યાત્રિક માટે પરિવાર સમાન સહારો પણ છે.
પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક (મંદિર સુરક્ષા) સાગર રાઠોડના માર્ગદર્શન અને આગેવાની હેઠળ દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા યાત્રિકોની સુરક્ષા, સુવિધા અને સહાય માટે સતત સતર્કતા દાખવવામાં આવી રહી છે.
આ ઘટના એ વાતનો જીવંત દાખલો છે કે બહારથી આવતાં દર્શનાર્થીઓ માટે માત્ર દર્શનની વ્યવસ્થા જ નહીં, પરંતુ તેમની દરેક મુશ્કેલીમાં ખરા અર્થમાં સાથી તરીકે ઉભી રહેતી દેવભૂમિ દ્વારકા પોલીસ માનવતાની સાચી પ્રતિમૂર્તિ બની રહી છે.


