રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ યોજાયો હતો. જે અંતર્ગત ’સેવા સેતુ’ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અભિયાન જન આંદોલન બન્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના હાલોલમાં કરવામાં આવી છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઝેરમુક્ત ખેતપેદાશ પૂરી પાડીને જમીન અને નાગરિકો બંનેને સ્વસ્થ રાખવાનો છે. રાસાયણિક ખેતીને કારણે આપણી ધરતીની ઓછી થયેલી ફળદ્રુપતાને પુન: મેળવવા અને ભૂગર્ભ જળસ્તર જાળવવા માટે હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિ એ ઇશ્વરીય કાર્ય છે.
રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, સુવિધાયુક્ત રસોડામાં રસોઈ બનાવનાર ન હોય તો જમવાનું ન બને તેમ પાક માટે રસોઈ બનાવવાનું કામ અળસિયા અને મિત્ર કીટકો કરે છે. યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. વધુમાં રાસાયણિક ઝેર ખેતપેદાશમાં ભળીને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની રહ્યું છે. ખાતર વાયુમાં મળીને પ્રદૂષણ ફેલાવે છે અને જમીનથી પાણીમાં મળીને પાણીને ઝેરયુક્ત બનાવે છે. જો પ્રાકૃતિક કૃષિ નહીં અપનાવીએ તો જમીન ખેતી માટે અયોગ્ય બની જશે.
જંગલમાં કોઈ ખાતર નાખતું નથી, છતાં ત્યાં પ્રાકૃતિક રીતે વૃક્ષો વિકસે છે. કારણ કે, ત્યાં રસાયણો નંખાતા નથી. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. અળસિયા દ્વારા નેચરલ ‘વોટર હાર્વેસ્ટિંગ’ થાય છે. આ ઉપરાંત તે જમીનને પોચી બનાવી તેની ભેજ સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત્ છે અને ઉત્પાદન વધુ છે
રાજ્યપાલએ ગૌમાતાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી જ ખેતી સમૃદ્ધ અને ટકાઉ બની શકે છે. પશુપાલનને ખેતી સાથે જોડીને ખેડૂતો પોતાની આવક બમણી કરી શકે છે. આ માર્ગ અપનાવીને જ આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત પર્યાવરણ, ફળદ્રુપ જમીન અને નિરોગી જીવનનો વારસો આપી શકીશું. વધુમાં તેમણે કાર્યક્રમના સારા આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યાં હતાં. તેમણે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સારંગપુર ખાતે કાર્યરત પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ટ્રેનિંગ સેન્ટરની પ્રશંસા કરીને સંસ્થાના પ્રાકૃતિક કૃષિ અંગેના પ્રયાસોને બિરદાવ્યા હતાં. તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા શરૂઆતમાં ભલે આખા ખેતરમાં નહીં, પણ માત્ર એક એકરથી પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરવા અને તેના સકારાત્મક પરિણામો જોઈને ધીમે-ધીમે તેનો વિસ્તાર વધારવા અનુરોધ કર્યો હતો.
આ તકે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 140 ક્લસ્ટર કાર્યરત કરાયા છે અને 150 થી વધુ સી.આર.પી. તથા કૃષિ સખીઓ માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને તાલીમ આપી રહી છે. આ વર્ષે અંદાજે 1,488 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે. જેના માર્ગદર્શન માટે જિલ્લામાં 31 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ અને 216 મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે.
ખેડૂતોના આર્થિક ઉત્કર્ષની વિગતો આપતા કલેકટરએ ઉમેર્યું હતું કે, ઓક્ટોબર-2025ના કમોસમી વરસાદ સામે 1.40 લાખથી વધુ ખેડૂતોને રૂ. 484.88 કરોડની સહાય સીધી ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે, જ્યારે ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ખેડૂતોને રૂ.1621.24 કરોડનું ચુકવણું કરાયું છે. ‘એગ્રીસ્ટેક’ પ્રોજેક્ટ હેઠળ 92% પ્લોટનો ડિજિટલ સર્વે પૂર્ણ થયો છે અને પશુપાલન ક્ષેત્રે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ ગૌશાળાઓને રૂ. 3.77 કરોડની સહાય ફાળવવામાં આવી છે. અંતમાં, તેમણે રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ જામનગરના ખેડૂત વધુ સમૃદ્ધ અને પ્રાકૃતિક ખેતી તરફ વળશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ. પટેલે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપીને તેના દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી, જમીનની ફળદ્રુપતા વધારીને કેવી રીતે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય તે અંગે તેમણે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોનું સ્વાગત મિલેટ બાસ્કેટ દ્વારા કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ મોમેન્ટો દ્વારા રાજ્યપાલને આવકાર્યા હતા. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શારદા કાથડે આભાર દર્શન કર્યું હતું.
આ સાથે જ રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ અંગેના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ તકે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, રસીકરણ કેમ્પ, કૃષિ અને પશુપાલનલક્ષી જાણકારી સહિતની સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે પૂરા પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામોના સરપંચો, રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, નાયબ વનસંરક્ષક અરૂણ કુમાર, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને કૃષિ સખીઓ, સી.આર.પી. કિસાન મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


