રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025 રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ ગઈકાલે મંગળવારે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી હક્ક-વાંધા-દાવાઓ તા. 19 ડિસેમ્બરથી તા. 30 જાન્યુઆરી દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા. 10 મી ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
જે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 5,42,053 મતદારો નોંધાયા છે. જેમાં 2,81,942 પુરુષ અને 2,60,067 સ્ત્રી તથા 14 અન્ય મતદારો નોંધાયા છે. જ્યારે ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 1,45,261 પુરુષ, 1,34,957 સ્ત્રી અને અન્ય 9 મળીને કુલ 2,80,227 મતદારો છે. જ્યારે દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં 1,36,711 પુરુષ, 1,25,110 સ્ત્રી અને અન્ય 5 મળીને કુલ 2,61,826 મતદારો નોંધાયા છે.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગણતરી ફોર્મ વિતરણ તેમજ પરત મેળવી તેને ડિજિટાઇઝ કરવાની કામગીરી બી.એલ.ઓ. દ્વારા તા. 4 જાન્યુઆરીથી 14 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે. જે કામગીરીમાં 695 બુથ લેવલ ઓફિસર્સ અને 69 બી.એલ.ઓ. સુપરવાઇઝર જોડાયા હતા. એસ.આઈ.આર. કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્તરે સમયાંતરે માન્ય રાજકીય પક્ષો સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ તેમજ તેમના દ્વારા નિયુક્ત બીએલઓને સમયાંતરે કાર્યક્રમની માહિતીથી અવગત કરવામા આવ્યા હતા. જિલ્લામાં મતદારોને મદદરૂપ થવા માટે મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કક્ષાએ હેલ્પ ડેસ્કની સુવિધા શરુ કરવામા આવેલ છે.
ઇલેક્શન કમિશન દ્વારા મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સાથે સરળતા ઉમેરતી પહેલ BOOK A CALL WITH BLO દ્વારા મતદારો બીએલઓનો સીધો સંપર્ક કરી શકે છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના 589 મતદારોએ આ સુવિધાનો ઉપયોગ કરી સીધો બીએલઓનો સંપર્ક કર્યો અને. જિલ્લામાં મતદાર રજિસ્ટ્રેશનના માર્ગદર્શન માટે હેલ્પલાઇન સેન્ટર 1950 કાર્યરત છે. આ કોન્ટેક્ટ સેન્ટર પર આવેલ 278 કોલમાં આવેલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જે મતદારોના નામ આખરી મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુન: નોંધાવા ઇચ્છે તો તે Form-6 ભરી નોંધાવી શકે છે. ફોર્મની પુર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મતદાન મથકોનું રેશનલાઇઝેશન/રી-એરેન્જમેન્ટ તબક્કામાં એક બુથ પર 1200 થી વધારે મતદારો ન રહે તે રીતે મતદારોની વહેંચણી કરી જિલ્લામાં નવા મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં, મતદાન મથકો 634 હતા, જેમાં નવા બનેલા મતદાન મથકો 61 નો ઉમેરો થતા કુલ મતદાન મથકોની સંખ્યા 695 થઇ છે. જેમાં, ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં અગાઉ 327 મતદાન મથકો હતા જેમાં 30 નવા ઉમેરાતા કુલ 357 મતદાન મથકો નોંધાયા છે. જ્યારે, દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં અગાઉ 307 મતદાન મથકો હતા. જેમાં 31 નવા ઉમેરાતા કુલ 338 મતદાન મથકો નોંધાયા છે.
આ સમગ્ર કામગીરીના અંતે મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ તા. 17 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામા આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હક્ક-દાવા અને વાંધા અરજીઓના સમયગાળા દરમિયાન 14,405 ફોર્મ મેળવવામાં આવ્યા હતા. જેમાંથી 11,841 ફોર્મ મંજુર કરવામાં આવ્યા. જેમાં ખંભાળિયામાં 3,858 મતદારો તથા દ્વારકામાં 2,804 મતદારોના નામ ઉમેરવા માટે કુલ ફોર્મ 6662 મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયામાં 261 અને દ્વારકામાં 174 એમ કુલ 435 ફોર્મ નામ કમી કરવામાં આવ્યા છે.
ખંભાળિયામાં 2936 અને દ્વારકામાં 1808 એમ કુલ 4744 જેટલા મતદારોએ નામ સરનામામાં સુધારા-વધારા કરેલ છે. આ કાર્યક્રમ દરમિયાન નવા નોંધાયેલા મતદારો તેમજ નામ સરનામામાં સુધારા-વધારા કરાયેલા મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ઓળખકાર્ડ આપવામાં આવશે.
મતદારયાદી સુધારણા ઝુંબેશ અન્વયે મળેલા તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને ચૂંટણી પંચ દ્વારા તા. 17 ફેબ્રુઆરી- 2026ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી છે. જેમાં એકંદરે જિલ્લામાં કુલ 8818 મતદારોનો ઉમેરો થયેલ અને 4412 મતદારો કમી થયેલ આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 4406 મતદારોનો વધારો થયેલ છે. જેમાં ખંભાળિયામાં 2880 અને દ્વારકામાં 1526 મતદારોનો ઉમેરો થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન ECINet App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધીત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના બી.એલ.ઓ.નો સંપર્ક કરીને અરજી કરી શકશે. હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્રની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી e-EPIC પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ, સમાવેશી અને ક્ષતિરહિત મતદાર યાદી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. મતદાર નોંધણી અધિકારીઓને સહયોગ આપવા અને લોકશાહીની આ નિરંતર ચાલતી પ્રક્રિયામાં સક્રિય સહભાગી થવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


