કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના દૂધાળા ડેમમાં માછીમારી કરવા જતા સમયે દેવીપુજક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવકે માનસિક તણાવમાં તેના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે બિમારીથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
મળતી વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના દાવલી ગામમાં રહેતો સંજય સતારભાઇ વાઘેલા (ઉ.વ.19) નામનો યુવક શનિવારે સાંજના સમયે નાનીભગેડી ગામના દૂધાળા ડેમમાં માછીમારી કરવા ગયો હતો તે સમયે ઉંડાપાણીમાં ડૂબી જતા બેશુધ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવકને કાલાવડની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તબીબોએ તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે હે.કો. પી.કે.જાડેજા તથા સ્ટાફે મૃતકની માતા ગીતાબેનના નિવેદનના આધારે આગળની તપાસ આરંભી હતી.
બીજો બનાવ જામનગર તાલુકાના લાખાબાવળ ગામના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતો પ્રવીણ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.22) નામનો યુવક થોડા દિવસોથી માનસિક તણાવમાં રહેતો હતો. તે દરમ્યાન ગુરૂવારે સાંજના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શનિવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે અશ્ર્વીનભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એસ.એસ.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પી.એમ. માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.
ત્રીજો બનાવ લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો વિજયભાઇ તેજાભાઇ મકવાણા (ઉ.વ.23) નામના યુવકને થયેલી વાલની બિમારીથી કંટાળીને શનિવારે સાંજના સમયે તેના ઘરે સુતરની દોરી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના ભાઇ અમરશી દ્વારા જાણ કરાતા હે.કો. એસ.એ.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પી.એમ. માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.