મુંબઇમાં રહેતો યુવક તેના મિત્ર સાથે દ્વારકાથી શિવરાજપુર બાઇક પર જતા હતા ત્યારે વરવાળા નજીક પહોંચ્યા ત્યારે બાઇક પરનો કાબૂ ગૂમાવી દેતાં સ્લીપ થવાથી યુવકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. બાઇકચાલકને ઇજા પહોંચી હતી. ખંભાળિયા તાલુકાના વચલાબારામાં રહેતાં યુવકને તેના ઘર નજીક વીજપોલમાં શોક લાગતા બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ મુંબઈના શિવાજીનગર વિસ્તારમાં રહેતા શિવમ નરેન્દ્રભાઈ પાંડે નામના યુવાન તેમની સાથે મુંબઈના ખાંડવાલા કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા 19 વર્ષના વિદ્યાર્થી યુવાન શ્વેતસિંગ આલોકસિંગ સિંગ નામના રાજપૂત યુવાન સાથે જી.જે. 37 પી. 8462 નંબરના એક્ટિવા મોટરસાયકલ પર બેસીને ગત તારીખ 25ના રોજ દ્વારકાથી શિવરાજપુર ખાતે જઈ રહ્યા હતા. ત્યારે વરવાળા ગામ નજીક પહોંચતા વાહન ચાલક શિવમ પાંડેએ એક્ટિવાને પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા તેના પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતમાં શિવમને શરીરે ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ તથા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા શ્વેતસિંગ રાજપૂતને પણ શરીરે નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે શ્વેતસિંગ આલોકસિંગ રાજપુતની ફરિયાદ પરથી શિવમ નરેન્દ્રભાઈ પાંડે સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજો બનાવ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા શક્તિસિંહ દેવીસંગ સોઢા નામના 23 વર્ષના યુવાનને ગુરુવારે સાંજના સમયે તેમના રહેણાંક મકાન નજીકના વીજપોલમાંથી જોરદાર વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના મોટાભાઈ શિવુભા દેવીસંગ સોઢાએ સલાયા મરીન પોલીસને કરી છે.