રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા મહિલા કોલેજ અન્ડરબ્રીજમાં અવારનવાર પાણી ભરાતું હોય છે અને વાહનો સ્લીપ થતા હોય છે. અનેક વખત અકસ્માતો થતા હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. અન્ડરબ્રીજમાં પાણી ભરેલું હોય અને એક યુવાન અને તેના મિત્રો બાઈક પર જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા યુવાન અને તેનો મિત્ર ફંગોળાઈ ગયા હતા. બંનેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાની વિગત મુજબ નાનામવા વિસ્તારમાં રહેતો અને મિકેનીકલ એન્જીનીયર યુવાન દેવેન્દ્રસિંહ ડાભી ઉ.વર્ષ 24 તેના મિત્ર હર્ષદ રાવરાણી સાથે મહિલા કોલેજ અન્ડરબ્રીજથી પસાર થતા હતા તે સમયે ત્યાં પાણી ભરેલું હોવાથી બાઈક ધીમું કરવા જતા અચાનક સ્લીપ થયું હતું અને બંને મિત્રો રસ્તા પર ફંગોળાયા હતા. બંનેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં દેવેન્દ્રસિંહ ડાભી નું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતા વિધવા માતાએ એકનોએક પુત્ર અને બે બહેનોએ ભાઈ ગુમાવ્યો હતો.