જામનગર શહેરમાં ઓવલી સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબિબ ગત રાત્રીના સમયે તેના ઘર તરફ જતાં હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા તબિબને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર આવેલી સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.વી.એચ.પોપલિયા નામના યુવાન તબિબ બુધવારે રાત્રીના 10 વાગ્યે તેની ફરજ પુરી કરી ઘર તરફ જતાં હતાં તે દરમ્યાન ખોડિયાર કોલોની નજીક અજાણ્યા શખ્સોએ તબીબને આંતરીને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે આડેધડ મારમારી હુમલો કર્યો હતો. અચાનક થયેલાં હુમલાથી તબીબ અવાચક થઇ ગયા હતાં અને હુમલામાં ઘવાયેલા તબિબને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં તબિબને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ તબિબના નિવેદનના આધારે હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.