જામનગર શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ વિસ્તારમાં કચરો ફેંકવાની બાબતે પિતા અને પુત્રો સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી દંપતિ ઉપર લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નંબર બેમાં રહેતાં જેન્તીભાઇ ચૌહાણ નામના યુવાન ગત્ તા. 29ના રોજ સવારના સમયે તેના ઘરની બહાર કચરો નાખવા ગયો ત્યારે યુવાનના ઘરની સામે રહેતાં મણિલાલ વાઘેલા જેન્તીભાઇ સાથે બોલાચાલી કરતા હતા. જેથી અવાજ આવતાં જેન્તીભાઇના પત્ની દેવીબેન બહાર દોડી આવ્યા હતા. જ્યાં મણિલાલ વાઘેલા તેના પુત્રો ગોપાલ વાઘેલા, નયન વાઘેલા અને કારિયો સહિતના ચાર શખ્સો જેન્તીભાઇને ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરતાં પત્ની દેવીબેન પતિને બચાવવા વચ્ચે પડતાં મહિલાને ઢીકાપાટુનો માર મારી ધોકા વડે હુમલો કર્યો હતો. દંપતિ ઉપર હુમલો થતાં લોકો એકઠા થઇ જતાં હુમલાખોરો નાશી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.