સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પે. પોકસો કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદીની સગીરવયની 15 વર્ષની પુત્રીને આરોપી સાગર ખોડા રાઠોડ નામના શખ્સે ભોગ બનનાર ધુતારપુર ગામે અભ્યાસ કરતી હતી ત્યારે આરોપી ટેમ્પો લઇને ભોગ બનનારના ઘર પાસેથી નિકળતો અને ભોગ બનનારને એક મોબાઇલ આપ્યો હતો. જેમાં અવાર નવાર ફોનમાં વાતચીત કરી લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તા.26-2-2019ના રોજ રાત્રીના ભોગ બનનારને મોટરસાઇકલમાં બેસાડી પીઠડીયાથી પડધરી, રાજકોટ થઇ ચોટીલા લઇ ગયો હતો. ત્યાં હનુમાનનું મંદિર હોય રાત્રી રોકાણ કર્યુ હતું. અને આરોપીએ ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધવાની વાત કરતા ભોગ બનનારે ના પાડતા આરોપીએ ભોગ બનનારના કહયુ હતું કે તારી સાથે લગ્ન કરી સારી રીતે રાખીશ તેવી લાલચ આપી ભોગ બનનાર સાથે શરીર સબંધ બાઘ્યો હતો. ત્યારબાદ આરોપી ભોગ બનનારને અલગ અલગ જગ્યાએ લઇ જઇ ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંઘ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેના સબંધીને ફોન કરી પૈસા મંગાવતા આરોપીના પિતા તથા અન્ય વ્યકિતઓ ભોગ બનનારને શોધતા શોધતા તેઓ રહેતા હતાં ત્યાં પહોંચી ગયા હતાં અને ભોગ બનનારને લઇ ગયા હતાં.
આ અંગે ફરિયાદી દ્વારા પંચ કોશી એ ડિવિઝનમાં પોકસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે ફરિયાદી, ભોગ બનનાર, અન્ય સાહેદો ડોકટર, પોલીસ તેમજ દસ્તાવેજી પુરાવા સહિતની બાબતોને ઘ્યાને લઇ સરકારી વકીલની દલીલો ગ્રાહય રાખી આરોપીને તકસીરવાન ઠેરવી આરોપી સાગર ખોડા રાઠોડને આઇપીસી 376(2)(આઇ)(એન) તથા પોકસો કલમ 4,6,12 મુજબ સંયુકત રીતે 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી 323 મુજબ 1 વર્ષની સાદી કેદની સજા અને રૂા.1 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા, આઇપીસી 363 મુજબ 3 વર્ષની સાદી કેદની સજા તથા રૂા.2 હજાર દંડ, આઇપીસી 366 મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા.5 હજાર દંડ ન ભરે તો 6 માસની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા સ્પે. પોકસો કોર્ટના જજ વી.પી. અગ્રવાલએ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.