જામનગર શહેરના પી.એન. માર્ગ પર આવેલી ઓફિસમાં સોલાર ફિટ કરાવવા કરેલી અરજી બાદ સોલાર ફિટ ન થવાથી શખ્સે ઓફિસમાં આવીને વેપારી યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી સોલારના પૈસા પાછા આપી દેવા પતાવી દેવાની ધમકી આપી હતી. સામાપક્ષે શખ્સ દ્વારા વેપારીએ ગાળો કાઢી ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત પ્રમાણે જામનગર શહેરમાં પી.એન. માર્ગ પર આવેલા મોનાલીસા કોમ્પલેક્સમાં 301 નંબરની ઓફિસમાં સોલાર ફિટીંગનો વ્યવસાય કરતાં કાનાભાઇ મેરામણભાઇ બૈડિયાવદરા નામનો યુવાન બુધવારે તેની ઓફિસે હતો ત્યારે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રહેતો ફિરોઝ ઓસમાણ દલ નામનો વ્યક્તિ ઓફિસમાં આવ્યો હતો અને બે મહિના પહેલાં ઘરે સોલાર ફિટ કરાવવા માટે અરજી કરી હતી. પરંતુ હજી સુધી સોલાર ફિટ થયું ન હતું. જે બાબતે કંપનીના અફઝલ દોસાણી સાથે ફોનમાં ફિરોઝ જોર જોરથી વાતો કરવા લાગતા કાનાભાઇએ શાંતિથી વાત કરવાનું કહેતાં ઉશ્કેરાયેલા ફિરોઝ દલએ વેપારીને જેમ ફાવે તેમ ગાળો કાઢી સોલારના પૈસા પાછા જોઇએ છે નહીંતર પતાવી દેવાની ધમકી આપી હતી.
સામાપક્ષે ફિરોઝ દલએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફિરોઝ સોલાર કંપનીની ઓફિસે ગયો ત્યારે કંપનીના બ્રાંચ મેનેજર સાગરભાઇએ બે મહિનામાં સોલાર ફિટ કરાવી દેવાનું કહ્યું હતું. પરંતુ હજુ સુધી સોલાર ફિટ ન થતાં ફિરોઝ દલએ કંપનીના કર્મચારી સાથે જોર જોરથી વાતો કરતાં વેપારીએ મોટેથી વાતો કરવાની ના પાડી હતી. જેથી ફિરોઝે વેપારીને અમારું સોલાર કયારે ફિટ થશે? જે લેખિતમાં ખાતરી આપો. તેમ જણાવતાં ઉશ્કેરાયેલા વેપારીએ ફિરોઝને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ વેપારી કાનાભાઇ બૈડિયાવદરા અને સામાપક્ષે ફિરોઝભાઇ દલની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.