ગુજરાતની હાલની દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,400 મેટ્રિક ટનની છે અને તે 15 મે સુધીમાં વધીને 1,600 મેટ્રિક ટને પહોંચશે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હાલ માત્ર 975 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો જ ગુજરાતને ફાળવવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં થયેલી સુઓ મોટુ અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામાંમાં આમ જણાવ્યું છે. મુકીમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલાં પત્રોની નકલ પણ આ સોગંદનામાના બિડાણમાં રજૂ કરી છે.
મુકીમે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યાં છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,250 મેટ્રિક ટનની હતી જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઇ ગઇ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 400 મેટ્રિક ટન ઓક્સિજનનો બફર સ્ટોક રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે જેથી આપાતકાલીન સમયે તેનો ઉપયોગ થઇ શકે, પણ તે થઇ શકે તેમ નથી. ઓક્સિજન સુવિધા સાથેની પથારીઓ શોધવામાં દર્દીઓને ખૂબ તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ ગુજરાત ઓક્સિજન માટે વલખા મારે છે બીજી તરફ કેન્દ્ર દ્વારા છેલ્લા 4 દિવસથી દિલ્હી માટે 545 ટન જેટલો લીકવીડ ઓક્સિજનનો જથ્થો દિલ્હી મોકલાયો છે. 5મી મેના રોજ મુકીમે કેન્દ્રીય ગૃહ સચિવ ભલ્લાને પત્ર લખીને જણાવ્યું કે 26 એપ્રિલે ગુજરાતમાં 5,837 દર્દીઓ વેન્ટિલેટર પર, 6,735 દર્દીઓ વેન્ટિલેટર વિનાના આઇસીયુ પર તથા 41,341 દર્દીઓ સાદા ઓક્સિજન સપ્લાય પર હતાં જે કુલ 53,913 થાય છે. જે પાંચમી મેના રોજ 6,429 દર્દીઓ વેન્ટિલેટર પર, 7,154 દર્દીઓ વેન્ટિલેટર વિનાના આઇસીયુ પર તથા 43,785 દર્દીઓ સાદા ઓક્સિજન સપ્લાય પરના મળીને કુલ 57,368 દર્દી થાય છે.
સૌથી ગંભીર બાબત ટાંકતા મુકીમે જણાવ્યું કે જો ઓક્સિજનનો પૂરતો જથ્થો મળે તો ગુજરાતમાં 11,500 ઓક્સિજન બેડ તથા વેન્ટિલેટર સુવિધાઓ મળી શકે તેમ છે. અમારી પાસે હોસ્પિટલોમાં પથારીઓ અને તબીબો તેમજ સ્ટાફ છે, પરંતુ ઓક્સિજન ન હોવાને કારણે અમારે દર્દીઓને સારવાર આપવાની ના પાડવી પડે છે.
ગ્રામીણ વિસ્તારોમાં કેસ પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે, જેથી મેડિકલ ઓક્સિજનની અમારી જરૂરિયાત અંદાજિત 1250 ટન (30 એપ્રિલ)થી વધીને આજે 1400 ટન થઇ છે અને 15 મે સુધીમાં 1600 ટન થઇ શકે છે. તમામ અજઞ/ઙજઅ પ્લાન્ટ્સ વગેરે દ્વારા વધારાનો ઓક્સિજન મોબિલાઇઝ કરવા છતાં રાજ્ય ઓક્સિજનની વધતી માગને પહોંચી વળતું નથી અને ઓક્સિજન લાઇન તથા મેડિકલ ટીમ સાથેના વધારાના 11500 બેડ માત્ર ઓક્સિજનના અભાવે ઓપરેશનલાઇઝ કરી શકતું નથી. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે, કેમ કે હાલ ત્યાં કોવિડ કેસો વધી રહ્યા છે, જે છતાં ઓક્સિજન થેરાપી સાથે હોસ્પિટલાઇઝેશન ઉપલબ્ધ નથી. તેના પરિણામે હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓએ રાહ જોવી પડે છે.
ગુજરાતના શ્વાસ શા માટે રૂંધાઇ રહ્યા છે?!
સુપ્રિમ કોર્ટમાં ગુજરાત સરકારે ઓકિસજન મામલે કરેલી કબૂલાતો વાંચો: ગુજરાતની જરૂરિયાત 1400 ટનની અને દિલ્હીથી આવ્યો 975 ટન ઓકિસજન: ગુજરાતથી દિલ્હી ગયો 545 ટન ઓકિસજન: ગુજરાત પાસે બેડ સહિતની વ્યવસ્થાઓ છતાં ઓકિસજનના અભાવે 11500 બેડ પર દર્દીઓને દાખલ કરી શકાતા નથી !