જામનગર શહેરમાં બેડી ઓવરબ્રીજ નીચે રીક્ષામાં જતાં સરકારી કર્મચારીને આંતરીને માર મારી લૂંટ ચલાવવાના બનાવમાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે બે લૂંટારૂઓને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ રોકડ સહિતનો રૂા. 78,340નો મુદામાલ કબ્જે કર્યો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં જકાત નાકા સર્કલ પાસે સ્વામી નારાયણ મંદિર નજીક આવેલા પ્રમુખ પાર્કમાં રહેતો અને મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં ફરજ બજાવતો મહેશભાઇ ટપુભાઇ કાંબરિયા (ઉ.વ.33) નામનો યુવાન ગત્ મંગળવારે રાત્રિના સમયે સોમનાથ-ઓખા ટ્રેઇનમાં જામનગર રેલવે સ્ટેશન ઉપર ઉતર્યો હતો અને ત્યાંથી જીજે10-ટીડબલ્યુ-4161 નંબરની રીક્ષામાં બેસીને તેના ઘર તરફ જતો હતો ત્યારે બેડીના ઓવરબ્રીજ નીચે પહોંચ્યો ત્યારે પાછળથી સફેદ કલરના એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રિક્ષા આંતરીને યુવાનને છરી બતાવી ઉતારી દીધો હતો. રિક્ષાચાલકને ભગાડી મૂકયો હતો. ત્યારબાદ બન્ને શખ્સોએ યુવાનને ઢસડીને પૂલ નીચે લઇ જઇ માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી મહેશભાઇ પાસે રહેલા રૂા. 700, મોબાઇલ ફોન તથા એટીએમ કાર્ડની લૂંટ કરી હતી.
ત્યારબાદ બન્ને શખ્સોએ મહેશભાઇને છરી બતાવી તેના એક્ટિવામાં અપહરણ કરી યુવાનના એટીએમમાંથી રૂા. 9000 ઉપાડી લીધાં હતાં. આમ, કુલ રૂા. 9700ની લૂંટ ચલાવી, મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બન્ને શખ્સો એક્ટિવા પર નાશી ગયા હતા. બાદમાં સરકારી કર્મચારી યુવાનએ આ બનાવ અંગે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઇ પી. પી. ઝા, પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા, એએસઆઇ રાજેશભાઇ વેગડ, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી સહિતના સ્ટાફએ આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ સોર્સ ઉપરાંત પો.કો. જયદીપસિંહ જાડેજા અને હે.કો. ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
દરમ્યાન પોલીસે એક્સેસ પર જતાં રાજવીર ઉર્ફે રાજ પટેલ હેમત મારકણા (રહે. નવાગામ ઘેડ) અને શબ્બીર ઉર્ફે બેબો ગફાર સંઘાર વાઘેર (રહે. રામેશ્વરનગર, માટેલ ચોક) નામના બે શખ્સને દબોચી લઇ તેમની પાસેથી રૂા. 8320ની રોકડ રકમ, રૂા. 70 હજારની કિંમતનું એક્સેસ બાઇક તથા રૂા. 20ની કિંમતની છરી મળી કુલ રૂા. 78,340ની કિંમતનો મુદામાલ કબ્જે કરી લૂંટનો ભેદ ઉકેલ્યો હતો. ઉપરાંત આ બન્ને લૂંટારુઓ વિરૂઘ્ધ સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં જ જુદા જુદા નવ ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું.