જામનગરમાં નદીપા રોડ પર આવેલ સિદી બાદશાહ સમાજની ઓફીસમાં ચાર શખ્સો ઘુસી સમાજની ઓફિસમાં બેસેલા લોકો ઉપર છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગત ફેબ્રુઆરી માસમાં સમાજના પ્રમુખ તરીકે થયેલ નિમણુંકનો ખાર રાખી આ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના કાલાવડ ગેઇટ બહાર મોરકંડા રોડ સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ઇકબાલભાઇ પીરભાઇની ગત ફેબ્રુઆરી માસમાં પોતાના સમાજમાં પ્રમુખ તરીકેની વરણી થઇ હતી. આ દરમિયાન ગઇકાલે રાત્રીના સમયે તેઓ તેની જમાતના ફાળા માટે નદીપા રોડ આશીયાના બેકરી પાસે લંઘાવાડના ઢાળીયા પાસે આવેલ સીદી જમાતની ઓફીસે બેઠા હતાં. આ દરમિયાન સમાજના પ્રમુખ તરીકેની તેમની વરણીનો ખાર રાખી ચાર શખ્સો ઓફીસમાં ઘુસી જઇ ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. ઇકબાલ દ્વારા સીટી બી ડિવિઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ઓફીસે બેઠા હતાં ત્યારે અખ્તર ઉર્ફે મુનીયો બાદશાહ ઇસ્માઇલ વંગીડા નામના શખ્સે કોષનો ઘા ટેબલ પર કરી અનવર હુશેન ઉપર કોષનો ઘા મારવા જતાં અનવર હુશેને કોષ જટી લીધી હતી. જેથી અખ્તરે છરી વડે હાજી મહંમદને છરી ઝીકી દીધી હતી. આ દરમિયાન ઝપાઝપી થતાં અખ્તરનો પગ સ્લીપ થતાં ઓફીસના દરવાજાના મેઇન કાચમાં તેનું માથુ ભટકાતા કાચ તુટી જતાં અખ્તરને પણ માથાના ભાગે ઇજા થઇ હતી. અનવર હુશેન તથા હાજી મહંમદ ઓફીસની બહારે નિકળતા હતાં ત્યાં ઉભેલ અખ્તર સાથે આવેલ મયુદીન ઉર્ફે મોયલો તથા અન્ય બે અજાણ્યા શખ્સો દ્વારા અનવર હુશેન તથા હાજી મહંમદને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. અને અખ્તરે જતાં જતાં ફરિયાદી ઇકબાલભાઇને ધમકી આપી હતી કે ઓફીસ ખાલી કરી નાખજે નહિંતર તને જાનથી મારી નાખીશ.
આ હુમલામાં ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર બનાવ અંગે ઇકબાલભાઇ દ્વારા સીટી બી ડિવિઝનમાં અખ્તર ઉર્ફે મુનીયો બાદશાહ ઇસ્માઇલ વંગીડા, મોયુદીન ઉર્ફે મોયલો તથા બે અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી પોલીસે ચાર શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.