ચોમાસામાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન બન્યા છે. ત્યારે હાલ ઉત્તર ગુજરાતની સ્થિતિ પાણી-પાણી જેવી છે. મહેસાણા સહિત ચાર જિલ્લામા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કેટલાંક જિલ્લાઓમાં વરસાદી પાણી શાળાઓ અને ઘરોમાં ઘૂસ્યા છે ત્યારે બનાસકાંઠા જળબંબાકાર બન્યું છે. વડગામમાં ત્રણ કલાકમાં આઠથી વધુ ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે શાળાઓમાં પણ રજા પાડવામાં આવી છે.
છેલ્લાં 24 કલાક પર નજર કરીએ તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. ખાતળ ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે તો નવસારીના ઉપરવાસ જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. તો નિચાણવાળા વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને ફાયર વિભાગે સતર્ક રહેવા સુચના આપી છે. ગત્ 24 કલાકમાં રાજયના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે તો 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભારે વરસાદના પગલે આજે પાલનપુર, દાંતીવાડ, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગયા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા હતાં. જ્યારે હાલ બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા છે. વડગામમાં 8.6 ઈંચ, પાલનપુરમાં 6.1 ઈંચ, દાંતીવાડામાં 6.0 ઈંચ વરસાદ નોંધાયો છે ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇ આજે પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે આવતીકાલે પણ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો 5 જુલાઈના અરવલ્લી મહિસાગર અને દાહોદમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. આમ 7 જુલાઈ સુધી બનાસકાંઠા અને સાબરકાંઠામાં એલર્ટ જાહેર કરાયું છે તો જામનગર, દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં પણ 7 મી જુલાઈના યલો એલર્ટ જાહેર કરાયું છે.