જામનગર શહેરના નવાગામ ઘેડ ઈન્દિરા સોસાયટીમાં રહેતા યુવાનના પત્ની સાથે છુટાછેડા થયા બાદ પુર્વ પત્નીને ફોન કરતા પત્ની સાથે રહેતા શખ્સે તેના મિત્ર સાથે મળી યુવાન ઉપર લોખંડની કોસ અને દાંતરડા વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે હત્યા નિપજાવનાર બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડમાં આવેલી ઈન્દિરા સોસાયટી શેરી નંબર 7માં રહેતો મિલનભાઈ હેમંતભાઈ પરમાર નામના યુવાનના તેની પત્ની સાથે છુટાછેડા થઈ ગયા હતાં ત્યારબાદ યુવાનની પત્ની સંતાનો સાથે મયુર ગોહિલ નામના શખ્સ સાથે રહેતી હતી. દરમિયાન સિકયોરિટીમાં નોકરી કરતા મિલનભાઈએ તેની પુર્વ પત્ની દક્ષાબેનને મોબાઇલ ફોન કર્યો હતો. જેથી પૂર્વ પત્ની સાથે રહેતા મયુર ગોહિલ અને સંજય નામના બે શખ્સોએ મધ્ય રાત્રિના સમયે મિલનના ઘરે આવ્યા હતાં ત્યારબાદ મિલન સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાઈને મિલનભાઈને ‘તું મારી ઘરવાળી દક્ષાને કેમ ફોન કરે છે?’ તેમ કહી ઢીકાપાટુનો માર મારી ગુપ્તભાગમાં ઈજા પહોંચાડી હતી તેમજ બન્ને શખ્સોએ ઘરમાં પડેલી લોખંડની કોસ અને દાંતરડા વડે મિલન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
મિલન ઉપર બે શખ્સો દ્વારા હુમલો કરતા તેનેે બચાવવા પડેલા અશોકભાઈ ઉપર પણ કોસ વડે હુમલો કર્યો હતો. મિલનભાઈ ઉપર હુમલો કરતા બેશુધ્ધ થઈ ઘરમાં જ ઢળી પડયા હતાં અને ત્યારબાદ બન્ને શખ્સો બાઈક પર નાશી ગયા હતાં. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 108 ની ટીમે સ્થળ પર પહોંચી મિલનભાઈને તપાસતા મોત નિપજયાનું જાહેર કર્યુ હતું. બાદમાં પોલીસમાં જાણ કરાતા પીઆઈ પી પી ઝા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરાયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરતા મિલનભાઈ અને તેની પત્ની દક્ષાબેન વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડો થતો હોવાથી છ માસ પુર્વે જ બન્નેના છુટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ દક્ષાબેન સંતાન સાથે તેના મિત્ર મયુર ગોહિલના મધુરમ સોસાયટીમાં આવેલા મકાને રહેવા ચાલ્યા ગયા હતાં અને મિલને પુર્વ પત્ની દક્ષાબેનને ફોન કરતા બન્ને શખ્સોએ હત્યા નિપજાવ્યાની મૃતક મિલનભાઈના ભાણેજ યશ ગોહિલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરમ્યાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ પીઆઇ પી. પી. ઝા તથા સ્ટાફએ હત્યા નિપજાવનાર મયૂર ગોહિલ અને સંજય નામના બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઇ પૂછપરછ આરંભી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ મુદામાલ કબ્જે કરવા આગળની તપાસ હાથ ધરી હતી.