Tuesday, May 19, 2026
Homeરાજ્યહાલારરણજિતપુર નજીક કાર સળગી જતાં પિતા-પુત્રીના મોત

રણજિતપુર નજીક કાર સળગી જતાં પિતા-પુત્રીના મોત

ચાલુ મોટરકારે અકસ્માતે આગ ભભૂકી ઉઠી : પત્ની ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં ખસેડાઇ

જામ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ પાસે લીંબડી-દ્વારકા હાઈવે પર ગઈકાલે સાંજે ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની કમકમાટીભરી ઘટનામાં કારની અંદર જ જીવતા ભૂંજાયેલા મૃતકો પિતા અને પુત્રી હોવાનું સત્તાવાર પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ગંભીર રીતે દાઝેલા પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, ગઈકાલે તા. 18-05-2026ના રોજ સાંજના આશરે સવા ચાર વાગ્યાના સુમારે રણજીતપુર ગામના વતની વલ્લભભાઇ સુવા પોતાના પરિવાર સાથે કાર GJ-03-TC-1248માં સવાર થઈને રણજીતપુર આવી રહ્યા હતા. આ દરમિયાન લીંબડી-દ્વારકા હાઈવે રોડ પર પાલાબાપાના આશ્રમ પાસે ચાલુ કારમાં અચાનક કોઈ પણ કારણોસર ભયાનક આગ ભભૂકી ઉઠી હતી.

આ ભીષણ અગ્નિકાંડમાં કારની અંદર ફસાયેલા ગેરેજ સંચાલક-વેપારી વલ્લભભાઇ સવદાસભાઇ સુવા (ઉં.વ. 43) તથા તેમની અભ્યાસ કરતી પુત્રી હિરલબેન સવદાસભાઇ સુવા (ઉં.વ. 23) આખા શરીરે ગંભીર રીતે સળગી જતાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે વલ્લભભાઇના પત્ની સતીબેન આ આગમાં ગંભીર રીતે દાઝી જતાં તેઓને નાજુક હાલતમાં વધુ સારવાર અર્થે જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

આ ગમખ્વાર અકસ્માત અંગે મૃતકના ભાઈ રમેશભાઇ જિવાભાઇ સુવાએ ભાટીયા પોલીસને જાણ કરી હતી. કલ્યાણપુર પોલીસે આ મામલે અકસ્માત મોત (અ.મોત) નંબર 25/2026 અને બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ સત્તાવાર નોંધ કરી છે.

બનાવની જાણ થતાં જ ભાટીયા આઉટ પોસ્ટના પો.સબ.ઇન્સ. કે.પી. ઝાલા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકોના શવનો કબજો સંભાળી પો.હે.કો. માલદેભાઇ કે. બરાઇ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારમાં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણવા માટે એફ.એસ.એલ. (FSL)ની મદદ લેવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular