દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ નવા કેસોમાં મોટો ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના એક લાખ કેસ નોંધાયા છે. જયારે 1.74લાખ લોકોએ એક જ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. 2427 લોકોના મુત્યુ સાથે મૃતકઆંક 3,49,186 પર પહોચ્યો છે.
દેશમાં કોરોનાની બીજી લહેર સતત નબળી પડી રહી છે. 2 મહિના બાદ આજે સૌથી ઓછા કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1 લાખ 636 નવા દર્દીઓ સામે આવ્યા છે. જયારે 1 લાખ 74 હજાર 399 કોરોના દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. દુઃખની વાત એ છે કે કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 2427 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા બાદ દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના કુલ કેસ 2 કરોડ 89 લાખ 9 હજાર 975 પર પહોંચી ગયા છે. જે પૈકી 2 કરોડ 71 લાખ 59 હજાર 180 દર્દીઓ સાજા થયા છે.
નવા દર્દીઓ ઘટવાનું મોટું કારણ સંક્રમણદરમાં થયેલો ચાર ગણો ઘટાડો છે. દેશમાં 7 દિવસનો સરેરાશ સંક્રમણદર 6.6% થઇ ચૂક્યો છે. દેશના 75% નવા કેસ હવે ફક્ત 5 રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં મળી રહ્યાં છે. 28 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ 2 હજારથી ઓછા દર્દી મળવા લાગ્યા છે.