દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એક આસામી દ્વારા થોડા દિવસો પૂર્વે પોતાના મોટરસાયકલ પર ટીંગાડીને રાખવામાં આવેલી રૂપિયા 1,00,000ની રોકડ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ બનાવને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એલ.સી.બી.ની ટીમને આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને કુખ્યાત એવી કડીયાસાસી ગેંગના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેની પૂછતાછમાં અનેકવિધ બાબતો પણ ખુલવા પામી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત સપ્તાહમાં ભાણવડ વિસ્તારમાં થયેલી ચોરી સંદર્ભે સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે. કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ, દેવમુરારી, વી.એન. સિંગરખીયા, એસ.એસ. ચૌહાણ અને એસ.વી. કાંબલીયાની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસને સાંપળેલા સી.સી. ટી.વી. ફૂટેજના આધારે ટેકનિકલ સ્ટાફ સાથે સંકલન કરીને ઉપરોક્ત ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલું નંબર પ્લેટ વગરનું સાઈન મોટરસાયકલ લઈને આવેલા બે શખ્સો મધ્યપ્રદેશ રાજ્યની કુખ્યાત કડીયાસાસી ગામની ચોર ગેંગના સભ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણમાં એલસીબીના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, જયદેવસિંહ જાડેજા, મયુરભાઈ ગોજીયા, મનહરસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ચૌહાણની ટીમ દ્વારા સીસીટીવીમાં દેખાતા બે શખ્સોને વોચ ગોઠવી ભાણવડ નજીકના ચાર પાટિયા પાસેથી આવતા અને રાણાવાવ પોરબંદર તરફ જતા ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આ શખ્સો મધ્યપ્રદેશ રાજ્યના રાજગઢ જિલ્લાના પચોર તાલુકાના રહીશ સચિન ભગવાનસિંહ રામપ્રસાદ સિસોદિયા (ઉ.વ. 37) અને બાબુ લખનસિંહ ઉર્ફે લખપતસિંહ સિસોદિયા (ઉ.વ. 25) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ઉપરોક્ત શખ્સો પાસેથી ચોરીની રકમ પૈકીના રૂપિયા 7355 રોકડા, બે નંગ મોબાઈલ ફોન, મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 98,355 નો મુદ્દામાલ કબજે કરી, વિવિધ ગુના સંદર્ભે જુદી જુદી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસને સાંપળેલી વિગત મુજબ બંને આરોપીઓ દ્વારા ચોરી કરેલા રૂપિયા એક લાખમાંથી ચોટીલા ખાતે એટીએમ મશીનમાં રૂપિયા 87,500ની રકમ આરોપી સચિન ભગવાનસિંહ સિસોદિયાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી.
આરોપી સચિન ભગવાનસિંહ સિસોદિયા સામે ગુજરાતના વ્યારા ઉપરાંત મધ્યપ્રદેશના પણ અન્ય પાંચ પોલીસ મથકમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય આરોપી બાબુ લખનસિંહ સિસોદિયા સામે પણ ગુજરાતના વ્યારા અને નીરજ તથા મહારાષ્ટ્રના પોલીસ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
આંતરરાજ્ય સ્તરે ચોરી કરવાના ગુનામાં મહેર એવા આરોપીઓ નાણા ભરી, ટ્રેનિંગ મેળવી અને બેંકો તેમજ મોટા શોપિંગ મોલ જ્વેલર્સની દુકાનો જેવા ભીડભાડવાળા વિસ્તારમાંથી ભોળા લોકોને ટાર્ગેટ કરીને તેમની નજર ચૂકવીને અથવા તો તેમના વાહનમાં રાખવામાં આવેલી રોકડ રકમ કે દાગીના ઉઠાંતરી કરી જતા હોવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હતા. આ બંને આરોપીઓ સામે મોડાસા, બાયડ અને હિંમતનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં પણ અટકાયત કરવાની બાકી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, વી. એન. સિંગરખીયા, એસ. એસ. ચૌહાણ, એસ.વી. કાંબલિયા, અરજણભાઈ મારુ, અરજણભાઈ ચંદ્રવાડિયા, જયદેવસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, હરપાલસિંહ જાડેજા, મયુરભાઈ ગોજીયા, ગોવિંદભાઈ કરમુર, પરેશભાઈ સાંજવા, ક્રિપાલસિંહ ચૌહાણ, મનહરસિંહ જાડેજા, સચિનભાઈ નકુમ, મુકેશભાઈ કેસરિયા, પ્રકાશભાઈ ચાવડા, વિશ્ર્વદીપસિંહ જાડેજા અને હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.